મોરબીમાં ભાગવત સપ્તાહમાં મોટિવેશન સ્પીચમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના હરિદર્શન સ્વામીએ પાખંડીઓને આડેહાથ લીધા મોરબી : છેલ્લા કેટલાક સમયથી પોતાના ધર્મને ચડિયાતો સાબિત કરવા હિન્દુધર્મના દેવાધિદેવ મહાદેવજી, ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી વિષે અનાપ, શનાપ બફાટ કરી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સંતોને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના હરિદર્શન સ્વામીએ આડેહાથ લઇ દેવી દેવતાઓનું અપમાન કરનારા શિક્ષાપત્રીના જ્ઞાનથી જ અજ્ઞાન હોવાનું દુઃખ સાથે જણાવ્યું હતું. મોરબીમાં આયોજિત ભાગવત સપ્તાહમાં ગઈકાલે સ્વામિનારાયણ ગુરુકુળના સંત અને નીલકંઠ વિદ્યાપીઠ હૈદરાબાદના હરિદર્શન સ્વામીએ પોતાની મોટિવેશનલ સ્પીચ દરમિયાન સોશિયલ મીડિયામાં સંપ્રદાયના જ કેટલાક સંતો દ્વારા હિન્દુધર્મના દેવી-દેવતાઓ વિશે તોડીમરોડીને વાતો કરી અપમાનજનક શબ્દો કહેવામાં આવતા આખો સંપ્રદાય બદનામ થઇ રહ્યો હોવાનું જણાવી શેરડી પાછળ એરડી પિલાઈ રહી હોવાનું જણાવ્યું હતું. હરિદર્શન સ્વામીએ કહ્યું હતું કે મઝહબ નહીં શિખાતા આપસ મે બૈર રખના... કોઈ ધર્મ બીજાનો વિરોધ કરવાનું ક્યારેય શીખવતું ન હોવાનું કહેતા તેમને જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ધર્મના બંધારણ રૂપી શિક્ષાપત્રીના 212 શ્લોકમાં પાંચ વખત ભગવાન શિવજીનો મહિમા વર્ણવેલો છે. શિક્ષાપત્રીમાં તમામ દેવીદેવતાઓ પ્રત્યે આદરભાવ રાખવાની સાથે રસ્તામાં પસાર થતા આવતા તમામ મંદિરોને પગે લાગવાનું પણ કહેવાયું છે ત્યારે આ સંપ્રદાય દેવીદેવતાઓનો વિરોધ કેમ કરી શકે ? ખરેખર તો આવા બફાટ કરનારા લોકોને શિક્ષાપત્રીનું જ્ઞાન જ ન હોવાનું પણ તેમને આક્રોશભેર જણાવ્યું હતું. શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરનારા કેટલાક લોકોને કારણે સંપ્રદાયના સંતો, અનુયાયીઓ દુઃખી હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે શિક્ષાપત્રીમાં તો ભગવાન શિવજીનો વિશેષ મહિમા વર્ણવી શ્રાવણમાસમાં બીલીપત્રથી ભગવાન શિવજીની પૂજા કરવા અને જો કોઈ બ્રાહ્મણ સ્વામિનારાયણ ધર્મ અપનાવે તો તેમને ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ત્યાગ ન કરાવવો તેવું સ્પષ્ટપણે જણાવ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના હરિદર્શન સ્વામીએ અંતમાં વ્યાસપીઠ ઉપરથી દેવીદેવતાઓનું ઉલ્લંઘન કરનારાઓને આકરી ટકોર કરનાર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાને નતમસ્તક વંદન કરતા હોવાનું કહી સનાતન ધર્મના હિતમાં સત્ય બોલવાની હિંમતને બિરદાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276