એક સમાન વીજદર અને જમીન રીસર્વે સહીત જુદી-જુદી 28 માંગણીઓને લઈ કિશાન સંઘ હવે આકરે પાણીએ મોરબી : સમાન વીજદર અને જમીન રીસર્વે સહિતની જુદી-જુદી 28 માંગણીઓ સાથે છેલ્લા 20-20 દિવસથી ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે આંદોલન ચલાવી રહેલ સતાધારી ભાજપ પક્ષની જ ભગિની સંસ્થા ભારતીય કિશાન સંઘની માંગ પ્રત્યે સરકાર ઉદાસીન રહેતા આજથી કિશાન સંઘ આંદોલનને ગાંધીનગરથી વિસ્તારી મંત્રીઓના નિવાસસ્થાન સુધી લઈ ગયું છે જે અન્વયે આજે મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના નિવાસે કિશાન સંઘે ધરણા પ્રદર્શન યોજી ચૂંટણી ટાણેજ શક્તિ પ્રદર્શન કર્યું હતું. મોરબી -રાજકોટ હાઇવે ઉપર વીરપર નજીક આવેલ રાજ્યના શ્રમ રોજગાર અને પંચાયત વિભાગના રાજ્યમંત્રીના નિવાસે ભારતીય કિશાન સંઘના સૌરાષ્ટ્રભરમાંથી આવેલા ખેડૂતોએ ધરણા પ્રદર્શન યોજવાની સાથે રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આપોના નારા લગાવ્યા હતા. કિશાન સંઘ દ્વારા એક સમાન વીજદર અને જમીન રીસર્વેની માંગણી સરકાર તાકીદે ઉકેલે તેવી માંગ કરી છેલ્લા 20-20 દિવસથી આંદોલન કરવા છતાં સરકાર ખેડૂતોના પ્રશ્ને ઉદાસીન હોવાનો મોરબી જિલ્લા કિશાન સંઘના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા હિતના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો. સતાધારી પક્ષ ભાજપ સામે બાયો ચડાવનાર ભાજપની જ ભગિની સંસ્થા કિશાન સંઘ દ્વારા વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે જ ખેડૂતોના પ્રશ્નોને લઈ સરકાર સામે મોરચો ખોલવાની સાથે હવે કિશાન સંઘના આગેવાનો સરકાર વિરુદ્ધ પણ બોલી રહ્યા છે આજે મોરબીમાં રાજ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલ ધરણા સમયે કચ્છના કારોબારી સદસ્ય જીતુભાઇ આહીરે પણ સરકારને આડેહાથ લઈ સરકાર એકવર્ષની સફળતાનાં શાસનની ઉજવણી કરે છે પણ ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ધ્યાન ન આપતા હોવાનું જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે જુદા-જુદા કર્મચારી સંગઠનો, આંગણવાડી કર્મચારી, આશાવર્કર, વીસીઇથી લઈ ચોતરફ વિરોધના મોરચા ખુલ્યા છે ત્યારે હવે કિશાન સંઘ પણ ખુલ્લીને આગળ આવી જમીન રિસર્વે અને સમાન વીજદરની માંગને નહીં સંતોષાય ત્યાં સુધી ઘેર પરત નહીં ફરીએ તેવો લલકાર મોરબી કિશાન સંઘના મહામંત્રી બાબુલાલ સિણોજીયાએ કરતા ભાજપ સરકાર સામે નવી ઉપાધિ આવી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાના સાફ સાફ સંકેતો મળી રહ્યા છે.