એક જ દિવસમાં 70 હજારથી વધુ ટ્વિટ કરી સરકારને જગાડવાનો પ્રયાસ મોરબી: રાજયની 16 સરકારી ઈજનેરી કોલેજ અને 33 પોલિટેકનિકના આશરે 4 હજારથી વધુ અધ્યાપકોએ સોશિયલ મીડિયા દ્વારા આંદોલનનો પ્રારંભ કર્યો છે. રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબજ લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે સરકારને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તેમજ મંડળના હોદ્દેદારોની અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો દરમ્યાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યા બાદ પણ આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આ ઉપરાંત ટેકનીકલ શિક્ષણ વિભાગમાં આશરે 600 જેટલા કોર્ટ કેસો હોવા એ ટેકનિકલ શિક્ષણ વિભાગની નિતિ-રીતી અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. વર્ષો સુધી રાહ જોવા છતાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ તા. 12 સપ્ટેમ્બર 2022થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપવાનું નકકી હતું. જે અંતર્ગત ગઈકાલથી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે અધ્યાયકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવાં કે ટ્વિટર , ફેસબુક વિગેરે દ્રારા સરકારને પોતાની માંગ પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. ગત રોજ આશરે 70 હજારથી વધુ ટ્વિટ #Padtarprashno ના હેસ ટેગ સાથે મુખ્યમંત્રી, નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રીને ટ્વિટ કરી પોતાની માંગણી પહોંચાડવા પ્રયાસ કરાયો હતો. જે આજે પણ યથાવત છે. અધ્યાપકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે જુદા જુદા પ્રકારના પોસ્ટર બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામા આવ્યા હતા. સરકાર સમક્ષ સમયાંતરે રજુ કરાયેલ મુખ્ય પડતર પ્રશ્નોની વાત કરીએ તો 01/01/2016 પછી CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) હેઠળના લાભો આપવાના બાકી છે. આધ્યાયકોને નિયમાનુસાર સહાયક પ્રાદ્યાપક (વર્ગ-2) થી સહ પ્રદ્યાપક (વર્ગ-1) ની બઢતી આપવી. સ્વવિનંતીથી બદલી કરવી. અધ્યાપકોએ સરકારમાં બજાવેલા એડહોક સેવાને સળંગ ગણી લગતા લાભો આપવા સહિતના પ્રશ્નો છે. આ તમામ પડતર પ્રશ્નોને લઈને અધ્યાપકો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. જે અંતર્ગત 12 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર દરમિયાન પડતર પ્રશ્નો માટે સોશિયલ મીડિયા અભિયાન ચલાવવું. તમામ સભ્યો દ્વારા પોતાના અધિકાર માટે સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગેના મેસેજ/પોસ્ટર/સૂત્રો શેર કરવા. તમામ સભ્યો બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન મેસેજ/પોસ્ટર/સૂત્રો #Padtarprashno સાથે Tweet કરશે. જ્યારે 15 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી કાળા કપડાં/કાળી પટ્ટી ધારણ કરશે, જેમાં તમામ સભ્યો તારીખ 15, 17, 19, 21 ના રોજ કાળા કપડા પહેરશે અને તારીખ 16, 20, 22 ના રોજ કાળી પટ્ટી ધારણ કરશે. કચેરી સમય પહેલા/પછી કે રિશેષ દરમ્યાન સંસ્થા ખાતે તમામ સભ્યો એકત્રિત થઇ બેનર/પોસ્ટર સાથે સુત્રોચાર કરશે. 23 સપ્ટેમ્બર થી પડતર પ્રશ્નોનું ઉચિત નિરાકરણ આવે ત્યાં સુધી તમામ સભ્યો તમામ બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કરશે.