પોતાના ધર્મને ચડિયાતો સાબિત કરવા દેવી દેવતાઓ માટે હિન શબ્દ પ્રયોગ કરનારા તત્વોને મૌન રહેવા સલાહ મોરબીમાં ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે પત્રકારો સાથે ભાઈશ્રીની ખુલ્લા મને ગોષ્ઠિ : પત્રકાર, કલાકાર અને ધાર્મિક સ્થાનના વડા સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત દાખવે તે જરૂરી આધુનિક ટેક્નોલોજીનો સમજણ સાથેનો ઉપયોગ સમાજ માટે ઉપયોગી મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આજથી મોરબીમાં શરૂ થયેલ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહના વિરામ બાદ આજે સાંજના સમયે કથાકાર રમેશભાઈ ઓઝાએ પત્રકારો સાથે મહત્વપૂર્ણ ગોષ્ઠિ કરી હતી. પત્રકારો સાથેની ગોષ્ઠિ દરમિયાન આજની રાજનીતિમાં પ્રવેશેલા રેવડી કલચરનો ખુલ્લો વિરોધ કરી રેવડી કલચરને પ્રજાતંત્ર માટે જોખમી ગણાવ્યુ હતું, સાથો સાથ છેલ્લા થોડા દિવસોમાં પોતાના ધર્મને ચડિયાતો સાબિત કરવા દેવી દેવતાઓ માટે હિન શબ્દ પ્રયોગ કરનારા તત્વોને મૌન રહેવા સલાહ આપી હતી. મોરબી ખાતે આજથી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના યજમાન પદે કોરોના દિવંગતોના મોક્ષર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શ્રવણ કરવાનો લ્હાવો મોરબીવાસીઓને સાંપડ્યો છે. આજે કથા વિરામ બાદ સાંજના સમયે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ મોરબીના પત્રકારો સાથે ગોષ્ઠિ કરી હતી. જેમાં સાંદીપની આશ્રમના પ્રતિનિધિ હાર્દિકભાઈ દ્વારા કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા ચાલતી શિક્ષણની પ્રવૃત્તિની માહિતી આપી હતી અને બાદમાં કથાકાર ભાઈશ્રીએ પ્રવર્તમાન સિનારિયો વિશે મુક્તમને ચર્ચા કરી હતી. અને બાદમાં પત્રકારોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથેની વિચાર ગોષ્ઠિમાં ભાઈશ્રીએ પત્રકારો સાથે વિવિધ સાંપ્રદ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીના આગમન સમયે જ ગુજરાતમાં શરૂ થયેલ રેવડી કલચર એટલે કે મફતના ફાયદાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે પણ રેવડી કલચરની ગંભીર નોંધ લીધી છે ત્યારે આ રેવડી કલચરને પ્રજાતંત્ર માટે નુકશાન કારક ગણાવી આજના સમયમાં મફત કઈ પણ મળવું શક્ય ન હોવાનું અને પ્રજાને ગેરમાર્ગે ન દોરવા પણ તેમને જણાવ્યું હતું. જો કે, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ રેવડી કલચરમાં કરાતા વાયદાઓ પૈકી મફત શિક્ષણ અને આરોગ્યની સેવા સરકારની ફરજ હોવાનું અને કોઈપણ સરકાર કે પક્ષ હોય પ્રજાને મફત શિક્ષણ અને આરોગ્ય સુવિધા આપવી જ જોઈએ તે બાબત ઉપર ભાર મુક્યો હતો. આ ઉપરાંત ભાઈશ્રી એ તમામ સમસ્યાઓનો હલ શિક્ષણમાં રહેલ હોવાનું જણાવી શિક્ષણને ફરજીયાત અને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ ઉપરાંત આજની પત્રકારો સાથેની ગોષ્ઠિમ રમેશભાઈ ઓઝાએ થોડા સમયથી કેટલાક ધર્મના વડાઓ દ્વારા પોતાના ધર્મને ચડિયાતો સાબિત કરવા હિન્દૂ દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે તેને વખોડી કાઢી આવા તત્વોને મૌન રહેવા સલાહ પણ આપી હતી. ધર્મ અને રાજકારણને ભાઈશ્રીએ એક સિક્કાની બે બાજુ ગણાવી હતી અને કોઈપણ પક્ષની સરકાર હોય પત્રકારો, કલાકારો અને કથાકારો કે ધર્મના વડાઓએ ચોક્કસ સમયે જાગી કોમ્પરોમાઈઝ કર્યા વગર સમાજના હિતમાં સાચને સાચું અને ખોટાને ખોટું કહેવામાં પાછી પાની નહિ કરવા અંતમાં જણાવ્યું હતું. કાર્યક્રમ બાદ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આ કાર્યક્રમમાં પરિવાર સાથે આવેલા તમામ પત્રકારોને કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે મોમેન્ટો અર્પણ કરી તેમનું અદકેરું સન્માન કર્યું હતું. અને કોરાના કાળમાં મોરબીના પત્રકારોની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં પત્રકારોના પરિવારની સાથે કાંતિભાઈ અમૃતિયા તથા ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલના સહિતના અગ્રણીઓ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અગ્રણી હસુભાઈ પંડ્યા અને જે.પી. જેસ્વાણી દ્વારા કરાયું હતું.