કોયબા,ઢવાણા,દિઘડીયા અને નવા દેવળીયામાં વિજળી પડી : બે ભેંસના મોત હળવદ : આપણી એક કહેવત છે કે ગાજ્યા મેઘ વરસે નહીં બસ આવી જ રીતે હળવદમાં ગઈકાલે સાંજના સમયે જોરદાર વીજળીના કડાકા-ભડાકાની સાથે પવન ફૂંકાયો હતો તેની સાથે સાથે હળવા છાંટા પડ્યા હતા. જો કે ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી ચાર જગ્યાએ વીજળી પડતા બે ભેંસના મોત થયા હતા. જ્યારે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 6 એમએમ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. થોડા દિવસની ગરમી અને બફારા બાદ હળવદમાં શનિવારે મોડી સાંજે જોરદાર પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા પડ્યા હતા. જેમાં હળવદ તાલુકાના કોયબા ગામની વાડી વિસ્તારમાં મુન્નાભાઈ દેવજીભાઈ સોલંકીની વાડીએ વીજળી પડતા એક ભેંસનું મોત થયું હતું, જ્યારે ઢવાણા ગામે પણ વીજળી પડતા દિનેશભાઈ ગોરધનભાઈની ભેંસનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ દિઘડિયા ગામની વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ દીપુભાઈ કાંજિયાના મકાન પર વીજળી પડતા વીજ વાયર બળી જવાથી ઘરમાં નાની મોટી નુકસાની થઈ હતી. તેમજ નવા દેવડીયા ગામે કિડીયા પરિવારના માતાજીના મંદિર પર વીજળી પડતા મંદિરના શિખરને સામાન્ય નુકસાની થઈ હતી આમ ગઈકાલે હળવદમાં વીજળીના કડાકા ભડાકા સાથે 6 એમએમ વરસાદ પડ્યો હોવાનું અને તાલુકાના જુદા જુદા ચાર ગામોમાં વીજળી પડી હોવાનું જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય વરસાદમાં પણ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતા લોકોએ પરસેવો પાડવો પડ્યો હતો.