મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી તથા સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટ અને અભિનવ સ્કૂલ મોરબીના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે વૈદિક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન અભિનવ સ્કૂલ મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ પેરેન્ટિંગ સેમિનારમાં પંચકોષ એટલે શું? બાળકોનું ઘડતર કઈ રીતે કરવું?બાળકોની સમસ્યાઓ કઈ રીતે દૂર કરવી? બાળકોની સુષુપ્ત શક્તિઓનો વિકાસ કઈ રીતે કરવો? જેવા મુદ્દા ઉપર સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમના ડો. મેહુલભાઈ આચાર્ય દ્વારા સચોટ માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી દ્વારા વાલીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. આ સેમિનારમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબીના સહ કાર્યવાહ જસ્મીનભાઈ તથા અભિનવ સ્કૂલના ટ્રસ્ટી મનોજભાઈ ઓગણજા તથા કમલેશભાઈ લીખીયા તથા વિ.હિ.પ ગ્રામ્ય અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તથા મોટી સંખ્યામાં વાલીઓ અને ભારત વિકાસ પરિષદના સભ્યો જોડાયા હતા. આ સેમિનારમાં સ્વાગત પરિચય અભિનવ સ્કૂલના ટ્રસ્ટી લલિતભાઈ કાનાણી દ્વારા તેમજ વિષય પ્રસ્તાવના ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોને સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.