વેપારીઓએ બે કલાક બંધ રાખીને સમર્થન આપ્યું હોવાનો કોંગ્રેસનો દાવો મોરબી : કોંગ્રેસ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે આજે આડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં આ બંધના એલાનને આંશિક પ્રતિસાદ મળ્યો હતો અને કોંગ્રેસે આજે સવારે બે કલાક વેપારીઓને વેપાર ધંધા બંધ રાખીને કોંગ્રેસને સમર્થન આપ્યું હોવાનો દાવો કર્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ દ્વારા આજે આપવામાં આવેલા અડધો દિવસ બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન આજે બંધના એલાનને સફળ બનાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સવારમાં બજારમાં નીકળ્યા હતા અને લોકોને અડધો દિવસ બંધ રાખવાની અપીલ કરી હતી અને કોંગ્રેસના દાવા મુજબ આજે સવારે બે કલાક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. પરંતુ મોટાભાગની બજારો અને દુકાનો દસ વાગ્યા પછી જ ખુલતી હોય એટલે રાબેતા મુજબ મોટાભાગની શહેરની તમામ બજારો ખુલ્લી રહી હતી. આમ કોંગ્રેસના બંધના એલાનને આશિક પ્રતિસાદ મળ્યો હતો.