હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં ઢેલના બચ્ચાઓની કિલકારીઓ ગુંજી ઉઠી હળવદ : મોરબી જિલ્લાના લીલી નાઘેર ગણાતો હળવદ તાલુકો ઘુડખર અભ્યારણ અને અન્ય દુર્લભ પ્રજાતિઓના સરંક્ષણ માટે અગ્રેસર છે ત્યારે તાજેતરમાં તાલુકાના રણછોડગઢ ગામમાં માદા રાષ્ટ્રીય પક્ષી અને તેના પાંચ બચ્ચાને કૂતરાઓએ ફાડી ખાતા આ માદા એટલે કે ઢેલના બે બચ્ચાઓનો જીવ બચાવી લઈ પક્ષી પ્રેમી દ્વારા આ બન્ને બચ્ચાઓને નવજીવન આપી નાના બાળકની જેમ જતન કરવામાં આવી રહ્યું છે. હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમ વિસ્તારમાં લાલાભાઇ વાઘજીભાઈ સોલંકીની વાડીએ ખેતરમાં માદા એટલે કે ઢેલ રાષ્ટ્રીય પક્ષીએ સાત બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાં કુતરાઓએ પાંચ બચ્ચા સહિત ઢેલને ફાડી ખાતા આ બનાવની જાણ વાડી માલિક લાલાભાઇ અને તેમના પાડોશી વાડી માલિક મહાદેવભાઇને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ઢેલને સારવાર માટે લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું. જો કે બે બચ્ચાને બચાવી લેવામાં આવ્યા હતા. જેથી હાલ રાષ્ટ્રી પક્ષી ગણાતા બંને બચ્ચાને મહાદેવભાઈ રાઘવજીભાઈ પાટડીયા પોતાના ઘરે લઈ આવી નાના બાળકની જેમ જતન કરી રહ્યા છે અને માતા જેવી હૂંફ આપી બન્ને પક્ષીઓ મોટા થાય ત્યાર બાદ પ્રકૃતિના ખોળે મુક્ત કરનાર હોવાનું જણાવી રહ્યા છે.