મોરબી - માળીયા, વાંકાનેર અને ટંકારા વિધાનસભા બેઠકમાં બબ્બે ધારાસભ્યો ભાજપનો પ્રચાર કરશે મોરબી : ભાજપની ચૂંટણી રણનિતીની પ્રક્રીયા તેજ કરાઈ છે. ભાજપ દ્વારા અન્ય રાજ્યના ધારાસભ્યો કાર્યકરોને પ્રચારમાં મેદાનમાં ઉતારવાની કવાયત હાથ ધરી છે જે અંતર્ગત આવતીકાલે ઉત્તરપ્રદેશના ધારાસભ્યો મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકમાં ભાજપના પ્રચાર અભિયાનને વેગવાન બનાવનાર હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથારિયાએ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને મહારાષ્ટ્રના ધારાસભ્યો અને કાર્યકરોને ગુજરાત વિધાનસભાની જુદી-જુદી બેઠકો પર પ્રચાર માટેની જવાબદારી સોંપી છે. પ્રચાર માટે બોલાવાયેલા કાર્યકરોમાં ઉત્તર પ્રદેશના ધારાસભ્યોને બે દિવસની સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઈ છે. જેઓ કાઠીયાવાડની 48 બેઠકો પર પ્રચાર અભિયાનને આગળ ધપાવી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનના કાર્યકરોને ઉત્તર ગુજરાતની બેઠકો પર પ્રચાર કરવાની જવાબદારી સોંપાઈ ચૂકી છે જેઓ બે દિવસથી મટીંગો અને બેઠકોની સાથે સાથે ઉત્તર ગુજરાતની 40 બેઠકોના પ્રચારમાં જોડાયા છે. આ ઉપરાંત અમદાવાદની 16 બેઠકો પર પણ પ્રચાર કરશે. હાલમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કાર્યકરો 88 બેઠકો પર પ્રચાર અભિયાનમાં જોડાયા છે ત્યારે આવતીકાલે મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક વિસ્તારમાં બબ્બે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના પ્રહાર અભિયાનને વેગવાન બનાવવા આવી રહ્યા હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથારિયાએ ઉમેર્યું હતું. નોંધનીય છે કે, બિહારના કાર્યકરો પણ ગુજરાત આવશે. બીજેપીના કાર્યકરો વડોદરામાં આવતી કાલથી પ્રચારમાં જોડાશે. મહારાષ્ટ્રના કાર્યકરોને પણ ગુજરાતમાં પ્રચાર માટે જવાબદારી સોંપી દેવામાં આવી છે. આવતી કાલે મહારાષ્ટ્રના કાર્યકરો સૂરતમાં આવશે. આમ ઝારખંડ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશટના કાર્યકરો પ્રચાર અભિયાનમાં જોડાશે.ચૂંટણી આડે માત્ર 3 મહિના જેટલો સમય ગાળો બચ્યો છે ત્યારે આપ પાર્ટીનો સામનો કરવા તેમજ કોંગ્રેસના જૂના જોગીઓને સાથે લઈને સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરી રહી છે ત્યારે કેજરીવાલના સતત પ્રવાસો નવી ગેરન્ટીઓ અને કાર્યકર્તાઓનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા પણ એક પછી એક રણનિતી બનાવવામાંમાં આવી છે.