રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળીને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજુઆત કરાઈ મોરબી : ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળીને પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. નગર પાલિકા કર્મચારી મહામંડળ દ્વારા રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો બાબતે ભૂતકાળમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. રાજ્યના વિવિધ કર્મચારી મંડળો માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે પરંતુ અમારા મંડળ દ્વારા હકારાત્મક અભિગમ દાખવીને કર્મચારીઓના પડતર પ્રશ્ન બાબતે સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટીમાં અમારા પ્રશ્નો રજૂ કરવાનું ઉચિત સમજીને મંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ રજૂઆત કરી છે. વધુમાં ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળે બ્રિજેશભાઈ મેરજાને આપેલી લેખિત રજૂઆતમાં પોતાની પડતર માંગણીઓમાં જણાવ્યું છે કે, મહેકમ ખર્ચની મર્યાદા નાબૂદ કરવામાં આવે, મહેકમ ખર્ચની ગણતરી બાબતે નામદાર સર્વોચ્ચ અદાલતના તથા નામદાર હાઇકોર્ટના ચુકાદાને અમલી બનાવવામાં આવે, મહેકમની ખાલી જગ્યાઓ ઉપર લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે, ચોથું પગાર પંચ તથા પાંચમું પગાર પંચ મેળવતી નગરપાલિકાઓમાં મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવામાં આવે, ફરજિયાત સેવાના કર્મચારીઓનો પગાર ખર્ચ મહેકમખર્ચ મર્યાદામાંથી બાકાત રાખવામાં આવે, પગાર પંચની દરખાસ્તોમાં સરળીકરણ કરવા તથા રાજ્ય સરકાર અમલી બનાવેલ હોય તે વર્ષથી જ પગાર પંચ મજૂર થાય તે મુજબ પરિપત્ર કરવામાં આવે, ઓક્ટ્રોય ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે, નગરપાલિકાના કર્મચારીઓને બઢતી તથા ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવામાં આવે તથા હાલમાં અમલી નિયમોમાં સરળીકરણ કરવામાં આવે તે સહિતની રજૂઆત કરવામાં આવી છે. આ તમામ પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી સત્વરે નિકાલ કરવામાં આવે તેવી નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી હતી.