મોરબી આરટીઓ કચેરીમાં ઇન્ચાર્જ અધિકારીની ગેરહાજરીથી મેમો ભરવા ગયેલા અનેક અરજદારોને રઝળપાટ મોરબી : ગુજરાતી કહેવત ગુરૂ ગયા ગોકળ.... વાહે થઇ મોકળ.... હાલમાં મોરબી આરટીઓ કચેરીમાં બરોબર બંધ બેસી રહી છે. મોરબી આરટીઓ અધિકારી રજા ઉપર જતા ઇન્ચાર્જ હવાલે મુકાયેલી કચેરીમાં બાબુ ગેરહાજર રહેતા પોલીસે ફટકારેલા આરટીઓ મેમો ભરવા ગયેલા લોકોને છેલ્લા આઠેક દિવસથી ધરમધક્કા ખાવા પડી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે જો કે આજે કેટલાક જાગરિત લોકોએ દેકારો બોલાવતા અંતે ઇન્ચાર્જ પ્રગટ થયા હતા અને ફટાફટ મેમોની કામગીરી નિપટાવી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી આરટીઓ કચેરીના અધિકારી રજા ઉપર જતા હાલમાં આરટીઓ કચેરી ઇન્ચાર્જ અધિકારીને હવાલે મુકાઈ છે. બીજી તરફ ઇન્ચાર્જ અધિકારી કોઈપણ કારણોસર કચેરીમાં હાજર ન હોય પોલીસ દ્વારા બાઈક ચાલકોને ફટકારવામાં આવેલા મેમો ભરવા ગયેલા અનેક લોકોને છેલ્લા આઠેક દિવસથી કચેરીના ધરમધક્કા ખાવા પડી રહ્યા હોવાનું જાગૃત નાગરિક દિવ્યેશભાઈ કણઝારિયાએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા લાયસન્સ, વીમો અને પીયુસી વગરના વાહન ચાલકોને આરટીઓ મેમો આપતા તેમના સહીત પંદરેક લોકો આરટીઓ કચેરીમાં મેમો ભરવા જતા સર્વર ડાઉન, જવાબદાર અધિકારી હાજર ન હોવાનું જણાવી ધક્કા ખવડાવવામાં આવતા હોવાથી આજે જાગૃત લોકોએ હંગામો કરતા જ જવાબદાર અધિકારી આવી ગયા હતા અને દંડની રકમની વસુલાત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.વધુમાં મોરબી આરટીઓ જે.કે.કાપટેલને આ બાબતે પૂછતાં તેઓ હાલમાં રજા ઉપર હોવાનું જણાવ્યું હતું.