ભક્તિનગર સર્કલ નજીક પાનબીડીની દુકાન નિશાન બનાવી નિસાચરો 1.54 લાખનો માલ ઉસેડી ગયા મોરબી : મોરબી શહેરના ભક્તિનગર સર્કલ નજીક ગણેશ હોન્ડા શોરૂમની બાજુમાં ત્રાટકેલા તસ્કરો દુકાનમાંથી પાન, બીડી, સોપારી, ગુટખા, સાબુ અને તમાકુ સહિત રૂપિયા 1.54 લાખનો જથ્થો ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સમય ગેઇટ પાસે નીતીનપાર્ક સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ નજીક ગણેશ હોન્ડા શોરૂમની બાજુમાં બજરંગ સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા અમીતભાઇ મગનભાઇ અંબાણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.30ની રાત્રીના સમયે તેમની દુકાનને નિશાન બનાવી કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. વધુમાં તસ્કરોએ આ બજરંગ સેલ્સ એજન્સીમાંથી શીવાજી બીડી, વીમલ ગુટખા, બુધાલાલ તમાકુ,નરાજશ્રી પાનમસાલા ગુટખા, બાગબાન તમાકુ, સાંઇઠ કિલો સોપારી, લકસ,કિલીનીક પ્લસ,વાટીકા,હેર એન્ડ સોલ્ડર તથા ડવ શેમ્પુ, અલગ અલગ નહાવાના સાબુ, સીગારેટ, મજદુર બીડી કાર્ટુન તથા મીરાજ તમાકુ સહિત કુલ મળી રૂ.1,54,500નો મુદામાલ ઉસેડી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૦,૪૫૭ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.