અવની ચોકડી અને આજુબાજુના રહીશો દ્વારા કલેક્ટરને આવેદન બાદ રાજ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરાઈ મોરબી : મોરબી શહેરના પોશ ગણાતા અવની ચોકડી વિસ્તારમાં છેલ્લા ચારેક વર્ષથી ચોમાસામાં તેમજ અન્ય સમયે પણ પાણી ભરાઈ જતા હોય આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતા આ મામલે અગાઉ રાજકિય આગેવાનોને મત માંગવા ન આવવાના હોર્ડિંગ્સ લગાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ આજે રાજ્યમંત્રીને રજુઆત માટે દોડી જતા અંતે આગામી છ થી આઠ મહિનામાં પ્રશ્ન ઉકેલની ખાતરી આપી એક સંયુક્ત કમિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મોરબીમાં શહેરના હાઈફાઈ અને પોશ ગણાતા અવની ચોકડી વિસ્તારમાં નવો રોડ બનવા છતાં ચારેક વર્ષ જૂની વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હાલ ન થતા રોષે ભરાયેલા આજુબાજુના વિસ્તારના લોકોએ આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય આગેવાનોને અહીં મત માંગવા ન આવવા મસ મોટા હોર્ડિંગ્સ લગાવવાની સાથે સમસ્યા ઉકેલવા માટે જિલ્લા કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું. દરમિયાન મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી આજે મોરબી માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આવતા અવની ચોકડી વિસ્તારના લોકો સામુહિક રીતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરેજાને પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલની માંગ સાથે દોડી ગયા હતા. જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથારિયા અને સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયાની હાજરી વિગતે આ પ્રશ્નની ચર્ચા કરી રાજ્યમંત્રી મેરજાએ આગામી છથી આઠ માસમાં એક સંયુક્ત સમિતિની રચના કરી પ્રશ્ન ઉકેલવા ખાતરી આપતા સ્થાનિક લોકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.