બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતી બે તરુણીઓ લાપતા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બનાવની અપહરણની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી બન્ને બાળકીઓની શોધખોળ શરૂ કરી છે. મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતી સ્નેહા વિશાલભાઈ શિરોહિયા (ઉ.વ.12) અને મહિમા પ્રતાપભાઈ મકવાણા (ઉ.વ.15) નામની બન્ને તરુણીઓ એકસાથે ગત તા.31ના રોજ કોઈ કારણોસર લાપતા બની ગઈ હતી. બન્નેના પરિવારજનોએ શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા અંતે બી ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આ બનાવ અંગે જણાવ્યું હતું કે, આ બન્ને તરુંણી બાજુબાજુમાં રહેતી હોવાથી બહેનપણી છે. તેમના પરિવારજનોના નિવેદનો લીધા છે. પણ તેમાં ગુમ થવાનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. હાલ આ મુદ્દે ભારે રહસ્ય સર્જાયું છે. પોલીસે સગીર બાળાઓ ગુમ થઈ હોય કાયદા મુજબ અપહરણની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.