ઇએનટી તબીબ ઉપલબ્ધ, પ્રથમ વખત સોનાગ્રાફી સુવિધા : ઓર્થોપેડિક, પીડિયાટ્રિક સર્જન સહિત 30 જેટલા એમબીબીએસ તબીબોની જગ્યા ભરાઈ મોરબી : સરકારની સત્તાવાર મંજૂરી બાદ હાલ આગામી સત્રથી જ મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની સરકારની જાહેરાત વચ્ચે હાલના તબક્કે જૂની જિલ્લા પંચાયત જ્યાં હતી તે ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડીકલ કોલેજ શરૂ કરવાની હોવાથી છેલ્લા થોડા સમયમાં રીનોવેશન કરીને આ સ્કૂલને મેડિકલ કોલેજમાં તબદીલ કરવામાં આવી છે. જો કે મેડિકલ કોલેજને કારણે મોરબી સિવિલમાં નવા 30 ડોક્ટરો સાથે કાન-નાક ગળા અને સોનોગ્રાફીની સુવિધા મળશે. તેમજ ગાયનેક, હાડકા અને બાળ રોગ નિષ્ણાત સહિતની 15 જગ્યાઓ ભરાઈ છે અને હાલ 330 બેડ તૈયાર કરવા યુદ્ધના ધોરણે તૈયારી શરૂ થઇ છે. મોરબીની ગિબ્સન મિડલ સ્કૂલમાં અદ્યતન લેબ સહિત મેડિકલ કોલેજને અનુરૂપ આખો ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષથી મેડિકલ કોલેજ શરૂ થઈ જાય તે માટે મેડિકલ કોલેજ માટે શક્ય હોય એટલી તમામ તબીબી સહિતીની સવલતો ઉભી કરવામાં આવી છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે આ મેડિકલ કોલેજ શરૂ થવાથી સિવિલમાં કાન-નાક-ગળા અને સર્ગભા મહિલાઓ માટે ખાસ જરૂરી સોનોગ્રાફી વિભાગ શરૂ કરી 30 જુનિયર એમબીબીએસ ડોક્ટરોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત એક ઓર્થોપેડીક સર્જન, પીડીયાટ્રીશયન અને અન્ય નિષ્ણાત તબીબની નિમણુંક સાથે અગાઉ 206 બેડ વધીને 330 બેડ થઈ ગયા છે. નોંધનીય છે કે મેડિકલ કોલેજ માટે જરૂરી બેડની સુવિધા વધારવા મોરબી સિવિલમાં નવા 45 બેડનું નવા બિલ્ડીંગમાં કામ ચાલુ છે. ઓકિસજન સાથેના 330માંથી 15 બેડ તેમજ 45 બેડ સાથેનો વિભાગ પાર્કિગની જગ્યામાં ઉભો કરાશે. આ 20 દિવસમાં આ નવી બિલ્ડીંગ પણ તૈયાર થઈ જશે. મેડિસિન સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેક, ઇએનટી, સ્કિન, સાઈકેટ્રીક સહિતની એનએફજીની ગાઈડલાઈન પ્રમાણે નેશનલ મેડિકલ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.તેવું સિવિલના અધિક્ષક ડો. દુધરેજીયાએ જણાવ્યું છે. હવેથી 1 હજાર જેટલી દૈનિકની ઓપીડી થઈ શકશે હાલ સિવિલમાં દૈનિકની 750 જેટલી ઓપડી છે. તે હવે વધીને 1 હજાર જેટલી દૈનિકની ઓપીડી થઈ જશે. બ્લડ બેન્ક, ડાયાલીસીસની સુવિધા ચાલુ છે. માનસિક ડોક્ટરો અગાઉ સપ્તાહમાં બે વાર આવતા તે પણ હવે કાયમી થઈ જશે. 10 નવી નર્સ સ્ટાફ, ફાર્માસીસ્ટ, એક્સ રે ટેક્નિશયનની પણ ભરતી મેડિકલ કોલેજ માટે જરૂરી તબીબી અને મેડિકલ સ્ટાફની તમામ ભરતી કરવામાં આવી છે. જેમાં 10 નવી નર્સ સ્ટાફની પણ ભરતી થઈ છે. એટલે હવે 74 નર્સ સ્ટાફ તેમજ એક ફાર્માસીસ્ટ , એક એક્સ રે ટેક્નિશયનની ભરતી કરવામાં આવી છે. ટૂંકમાં મેડિકલ કોલેજ માટે બધો જ તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. સિવિલનો સ્ટાફ ઘટનો પ્રશ્ન હલ મેડિકલ કોલેજમાં તમામ તબીબી તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ સવલત ઉભી કરવામાં આવી છે. તેથી મોરબીની સિવિલમાં જે મહત્વની તબીબોની ખાલી જગ્યા, સ્ટાફ ઘટ અને મેડિકલ સુવિધાની ખામીઓ હવે પુરી થશે. સિવિલમાં 176નું હયાત મહેકમ હોય એમાં 527 જેટલું મહેકમ કરી દેવામાં આવ્યું છે. એટલે બાકીનું મહેકમ પણ પૂરું કરી દેવામાં આવશે. નવી મેડિકલ કોલેજ માટે વધારાની 10 એકર જમીન ફળવાઈ હાલ તો ગિબ્સન મિડલ સ્કૂલમાં હંગામી ધોરણે મેડીકલ કોલેજ ચાલુ થશે. પણ નવી અદ્યતન મેફિકલ કોલેજ બનાવવા માટે સરકારે મોરબીના શનાળા ગામ ખાતે જગ્યા ફાળવી છે. પહેલા આ મેડિકલ કોલેજ માટે 20 એકર જમીનની જગ્યા ફાળવી હતી. પણ હવે વધારાની 10 એકરની જગ્યા ફાળવવામાં આવી છે. એટલે ભીષ્મએ મેડીકલ કોલેજનું માળખું વધે તો તેને લઈને આ જગ્યા વધારી દેવામાં આવી છે જેની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.