મોરબી : જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર માટે સક્રિય થઈ ગયા છે. ત્યારે આવતીકાલે શુક્રવારે બપોરે 3 કલાકે મહેન્દ્રનગર રોડ પરના રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યની કારોબારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ ફ્રન્ટલ સેલ અને ડિપાર્ટમેન્ટના આગેવાનો અને હોદ્દેદારોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો અને હોદ્દેદારો આ કારોબારી મિટિંગમાં ઉપસ્થિત રહેશે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મળનારી આ કારોબારીમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કાર્યક્રમની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને વળતર ચૂકવવા બાબતે પણ ચર્ચા વિચારણા કરાશે. સાથે જ ડ્રગ્સ, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ અંગે આગામી સમયમાં કાર્યક્રમ આપવા અંગેની પણ ચર્ચા વિચારણા થશે. સાથે જ આગામી તારીખ 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા હોય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાબતે પણ ચર્ચા થશે. આ ઉપરાંત મોરબી શહેર અને જિલ્લામાં નબળી ગુણવત્તા ધરાવતા રોડ રસ્તાઓ બન્યા છે તેને તાત્કાલિક રીપેર કરવા અને નવા બનાવવા તેમજ જેતપર અણીયારી અને હળવદ રોડ બનાવવા બાબતે પણ ચર્ચા થશે.