અખંડ ધુન નિમિતે પંચકુંડી હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞ, અખંડજયોત શોભાયાત્રા, હનુમાન ચાલીસાના પાઠ, ધ્વજાપુજન, જ્ઞાનસભા, સંત સમારોહ સહિતના આયોજનો મોરબી : રામધામ આશ્રમ ટ્રસ્ટ-દેપાળીયા દ્વારા મોરબી મુકામે પૂ. સંત નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પુરી કરવા ૧૩ માસના અનુષ્ઠાન એટલે કે અખંડ રામનામ જપ મહાયજ્ઞનું ભાદરવા સુદ-૯ ને તા.૫-૯-૨૦૨૨થી મોરબીના વાવડી રોડ ખાતે આવેલા ગોકુલ ફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે ૧૩ માસ સુધી ચાલશે. આ અખંડ ધુન નિમિતે પંચકુંડી હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞ, અખંડજયોત શોભાયાત્રા, હનુમાન ચાલીસાના પાઠ, ધ્વજાપુજન, જ્ઞાનસભા, સંત સમારોહ સ્ટેજ પ્રોગ્રામ સહિતના ભવ્યાતી ભવ્ય આયોજન કરેલ છે. અહીં સવારે ૫ થી ૧ વાગ્યા સુધી મહાયજ્ઞ , સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી શોભાયાત્રા (રાજપર, મોરબી નરસંગમંદિરે આરતી કરીને અખંડ રામધુન સ્થળ પર પહોંચશે) બપોરે ૧૨:૩૦ કલાકે ફળાહાર(પ્રસાદ), બપોરે ૧:૩૦ થી ૩:૦૦ વાગ્યા સુધી હનુમાન ચાલીસા પાઠ, બપોરે ૩:૩૦ થી ૬:૪૫ વાગ્યા સુધી જ્ઞાનસભા(સ્ટેજપ્રોગ્રામ) બાદમાં સાંજે ૬:૪૫ વાગ્યેથી અખંડ રામધુન પ્રારંભ થશે. ત્યારબાદ સાંજે ૭ઃ૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે. રાજપર ગામથી અખંડ જયોત અને પરમ પુજય સંત નાથાબાપા ભગત તેમજ રામદરબારની પ્રતિમાં લઇને સવારે 8:30 વાગ્યે શોભાયાત્રા નિકળશે મોરબી મુકામે નવા બસ સ્ટેન્ડ થઇને રવાપર રોડ ઉપર નરશંગ ટેકરી મંદિરે પહોંચશે અને ત્યાં મહાઆરતી ઉતારવામાં આવશે. ત્યાંથી શોભાયાત્રા રવાના થશે ઉમિયા ચોકડી થઇને બાયપાસ હાઇ-વે ઉપર અખંડ શ્રી રામધુન સ્થળ પર પહોંચશે અને ત્યાં શોભાયાત્રાના સામૈયા થશે અને વધાવવામાં આવશે. શોભાયાત્રામાં કાર, ટ્રેકટર, રથ, બાઇક વગેરે જોડાશે. મોરબી મુકામે ૧૩ માસની રામનામ ધુનનું આયોજન કરાયું છે. તેમાં ૬૦ ગામોમાં રામધુન મંડળને આમંત્રણ અપાશે. એક ગામને એક મહિનામાં એક વખત ધુનનો લાભ મળી શકશે તેવી રીતે દરરોજ બે ગામ લાભ લેવા માટે પધારશે અને મોરબી સીટીમાંથી ૧૫ સોસાયટીને આમંત્રણ આપવામાં આવશે એક મહીનામાં એક સોસાયટીને બે વખત અખંડ ધુનનો લાભ મળશે.