ગણેશોત્સવના મેદાન માટે જીતુ સોમાણીના ઉપવાસ આંદોલનમાં તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી માંગણીને બુલંદ બનાવી વાંકાનેર : વાંકાનેરમાં રાજકીય અગ્રણી જીતુ સોમાણી દ્વારા ગણપતિ ઉત્સવ માટે મેદાનની મજૂરી આપવા માટે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના સમર્થનમાં ગઈકાલે તમામ વેપારી સંગઠનોએ બંધનું એલાન આપતા તંત્રએ ઉકેલની ખાતરી આપી હતી પણ મેદાનની મંજૂરી માટે કોઈ નિર્ણય જાહેર ન કરતા આજે ફરી વેપારી સંગઠનોએ વાંકાનેર બંધનું એલાન આપ્યું હતું. આ બંધની વ્યાપક અસર જોવા મળી હતી જેમાં મોટાભાગની બજારો-દુકાનો બંધ રહી હતી. તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી રાજકીય અગ્રણીની માંગણીને બુલંદ બનાવી છે. વાંકાનેરમાં ગણેશ ઉત્સવ માટે આર.એસ.એસ.ના ગ્રાઉન્ડની મંજૂરી મુદ્દે રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા ચાલતા ઉપવાસ આંદોલન દરમિયાન શનિવારે સંતો-મહંતો,આર.એસ.એસ, વિહિપ,શિવસેના ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, ધાર્મીક-સામાજિક સંસ્થાઓ તેમજ સામાજીક અગ્રણીઓની જીતુભાઈ સોમાણીના સમર્થનમાં એક મિટિંગ ઉપવાસી છાવણી ખાતે મળી હતી અને ગઈકાલે સોમવારે ગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે સામાજિક અગ્રણી દ્વારા સોમવારે તમારી માંગણી મુજબ તમને ગ્રાઉન્ડની મંજુરી મળી જશેની ખાત્રી મળતા સોમવારે ગામનું બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. દરમિયાન ગઈકાલે સોમવારે તંત્ર દ્વારા જીતુભાઈ સોમાણીને મંજૂરી ન મળતા ધાર્મિક સંગઠનો તેમજ ધર્મપ્રેમી લોકોમાં રોષની લાગણી ફેલાય હતી. ત્યારે સોમવારના રોજ રાત્રે ૯ વાગ્યે ઉપવાસ છાવણી ખાતે બીજીવાર મિટિંગ મળી હતી જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, સામાજિક સંસ્થા, તેમજ અગ્રણીઓ દ્વારા આવતીકાલે મંગળવારે વાંકાનેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે વાંકાનેર બંધન એલાનને જબરી અસર થઈ હતી અને તમામ બજારો બંધ રહી હતી. મોટાભાગના વેપારીઓ પોતની દુકાનો બંધ રાખી જીતુ સોમણીને સમર્થન આપી તેમની મેદાનને મંજુરી આપવાની માંગને બુલંદ બનાવી હતી. આજના વાંકાનેર બંધને 70 ટકા જેવી અસર થતા તંત્રને રેલો આવ્યો છે. ઉપરાંત તમામ વેપારી સંગઠનો, એસોસિએશનો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સામાજિક આગેવાનો શ્રીરામ કોમ્પલેક્ષ ઉપવાસ છાવણી ખાતે એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. રાજકીય અગ્રણીનું આંદોલન વેગવંતુ બન્યું હોય અને જબરું સ્મેથન મળતું હોય સામે આવતીકાલથી ગણેશ મહોત્સવ શરૂ થવાનો હોય આજે તંત્ર આ મુદ્દે નિર્ણય જાહેર કરશે કે નહીં તેના પર સૌની નજર મંડરાયેલી છે.