100 થી વધુ મોટા પંડાલમાં ભવ્ય આયોજન ઉપરાંત દરેક વિસ્તાર, શેરી-ગલી અને ઘરોમાં પણ ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કર્યા બાદ દસે દસ દિવસ લોકો પૂજા અર્ચના કરીને ગણેશમય બની જશે મોરબી : મોંઘેરા મહેમાન અને દરેક શુભ કાર્યમાં જેની પ્રથમ પૂજા કરતા દરેક પ્રકારના વિઘ્ન હરતાં ગૌરીનંદની દરેક વિસ્તારમાં અને ઘરોમાં સ્થાપના કરીને દસે દસ દિવસ પૂજા કરવાનો અનેરો અવસર આવી જતા મોરબીમાં લોકો ગણેશમય બની ગયા છે. આવતીકાલે બુધવારે ગણેશ ચતુર્થીએ વિધ્નહર્તાને ભક્તિભાવથી આવકારવા ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે વર્ષ બાદ ગણેશ મહોત્સવના આયોજનનું થયું હોય એ વખતે 100 મોટા પાંડલમાં આયોજન ઉપર દરેક વિસ્તારમાં, શેરી ગલીએ અને ઘરોમાં પણ વાજેતે ગાજતે ગણપતિ દાદાનું સ્થાપન થશે. મોરબીમાં ગણેશ મહોત્સવને લઈને છેલ્લા ત્રણ માસથી મારવડી કારીગરો રાત દિવસ વિવિધ જગ્યાએ પડાવ નાખીને નાની મોટી આકર્ષક ગણેશજીની મૂર્તિ બનાવવાની તૈયારીમાં લાગી ગયા હતા. હવે મોટાભાગની મૂર્તિઓ તૈયાર થઈને બજારમાં વેચવા માટે આવી જતા આજે છેલ્લી ઘડી સુધી ગણપતિ દાદાની મૂર્તિની ધૂમ ખરીદી થઈ હતી. ગણપતિ દાદાના સ્થાપનની તૈયારીઓ માટે મોટાભાગના વિસ્તારોમાં, શેરી, ગલીઓમાં પંડાલ નાખવામાં આવ્યા છે. જ્યારે સો મોટા આયોજનમાં સૌથી મોટા અને ભવ્ય સિદ્ધિ વિનાયક કા રાજા અને પટેલ ગ્રુપ દ્વારા જાજરમાન આયોજન કરાયું છે. જેમાં ગણેશજીની ભવ્ય મૂર્તિ સાથે વિષેશ આકર્ષણો અને બાળકો સહિત મોટેરાઓને મન મોહી લેતી વસ્તુઓ પણ રાખવામાં આવી છે. તેમજ કાલિકા પ્લોટ, સવાસર પ્લોટ, જુના, નવા બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, કાયાજી પ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, અવની ચોકડીની અનેક સોસાયટીમાં, જુના મહાજન ચોક, રામચોક, સામાકાંઠે રિલીફ, રોટરી, જનકલ્યાણ, રામકૃષ્ણનગર વર્ધમાન નગર, સોઓરડી, જુના અને નવા ગુ.હા. બોર્ડ સહિતના વિસ્તારોમાં આવતીકાલે ગણેશ ચતુર્થીએ વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરાશે અને દસે દસ દિવસ દરેક ગણેશ મહોત્સવમાં સવાર-સાંજ પૂજા અર્ચના, આરતી તેમજ ધાર્મિકની સાથે સાંસ્કૃતિક કાર્યકમો યોજાશે અને હા ખાસ ગણપતિને પ્રિય એવા મોદક એટલે લાડુ ધરાશે.