પડકારો વચ્ચે પણ ડાઉન સિન્ડ્રોમ જય ઓરિયાએ હિંમત હાર્યા વગર સફળતા હાંસલ કરી : 18માં જન્મદિવસે અનોખો સંકલ્પ મોરબી : મોરબીમાં જન્મેલા મનો દિવ્યાંગ જય ઓરિયા આજે પોતાના જીવનના 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે તેમણે જન્મદિવસ નિમિત્તે સમાજને ઉદાહરણ પૂરું પાડતો એક મહત્વનો નિર્ણય લીધો છે. પોતાના જન્મ દિવસની ઉજવણીને પ્રેરક અને વિશિષ્ટ બનાવવા જય ઓરિયાએ નિર્ણય લીધો છે કે તેઓ તેમની જેવા જ અન્ય મનો દિવ્યાંગ બાળકો સાથે રહી પોતે પણ મનોદિવ્યાંગ બાળકો માટે પુનર્વસન કેન્દ્ર દ્રારા પેપર બેગ, મીણબત્તી, ગરબા ડેકોરેશન, માટીના દીવડા તૈયાર કરવા માટે નિઃશુલ્ક સેવા કેન્દ્ર ખોલશે. સ્વીકૃતતા સાથે સમયસરની યોગ્ય તાલીમ પદ્ધતિ મનો દિવ્યાંગ બાળકને કેળવણીમાં ખુબજ ઉપયોગી છે, તેનું ઉદાહરણ મોરબીમાં જન્મેલા અને મોરબીમાં રહીને ઉછરેલા મનો દિવ્યાંગ જય ઓરિયા છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બની મોરબીનું ગૌરવ વધારનાર, મોડલિંગ, ફેશન વોક, સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ પ્રતિભા બતાવનાર જય ઓરિયા (ડાઉન સિન્ડ્રોમ) છે. સ્પેશિયલ ઓલિમ્પિકમાં સ્ટેટ લેવલે દોડમાં નંબર મેળવેલ, સમરકેમ્પમાં પણ ભાગ લીધો હતો. માતા-પિતા વગર કોરોના કાળ માં 80 દિવસ રહી અનુકૂલન ક્ષમતા વિકસાવી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દિવ્યાંગ બાળકોમાં પણ દિવ્ય શક્તિઓ છુપાયેલી હોય છે. જરૂર છે માત્ર તેને સમજી, તેની જરૂરિયાત મુજબ તાલીમ વ્યવસ્થા, પોષણક્ષમ વાતાવરણ પૂરું પાડવાની. ત્યારે જય ઓરિયાએ મનો દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક સેવા કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો છે.