આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનનું મોરબી જિલ્લા કલેકટરને આવેદન મોરબી : ગુજરાત આશા વર્કર-ફેસીલીએટર બહેનોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે આજરોજ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે તેમજ તેઓના પ્રશ્નો આગામી 10 સપ્ટેમ્બર સુધી નહીં ઉકેલાય તો ગાંધીનગરમાં રેલી અને હડતાલ સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારી છે. આવેદનપત્રમાં કરેલી વિગતવાર રજૂઆત મુજબ ગુજરાત આશા એન્ડ હેલથ વર્ક્સ યુનિયને આ બાબતે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે વધુ એકવાર પોતાની માંગણીઓ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે. રજૂઆતમાં જણાવ્યું છે કે વડાપ્રધાને મનકી બાતનાં ક્રર્યક્રમમાં, કૅરોના રસીકરણનાં ૧૦૦ કરોડનાં લક્ષ્યાંકમાં પહોંચવા માટે આરોગ્ય વર્કરો– આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોની દિલથી પ્રસંશા કરી પરંતુ ગુજરાતમાં આ આશાવર્કર અને ફેસીલીએટર અર્બન બહેનોને નિયમીત રીતે ઈન્સેન્ટીવ ચૂકવાતા નથી, દિવસ આખાની સતત કામગીરી છતાં લધુતમ વેતન પણ અપાતું નથી. આ સામે ગુજરાતની 40હજાર થી વધુ આશા વર્કર અને ફેસીલીએટર અર્બન બહેનોમાં ભારે રોષ છે. સરકારની અન્ય યોજનાઓની કામગીરી પણ આજ બહેનો કરે છે. તમામ પ્રકારના સર્વેની કામગીરી પણ આજ બહેનો સંભાળે છે. સુવાવડથી માંડી રોગચાળા સમયે ઉભા પગે કામગીરી કરે છે. સરકારના પરિપત્ર મુજબ તો આશા વર્કરે ' અઠવાડીયામાં પાંચ દિવસ રોજનાં બે કલાક તેમની અનુકુળ સમયે કામગીરી કરવાની છે. પરંતુ હકીકત તદન ઉલ્ટી છે. આશા વર્કર અને ફેસીલીએટરે સાંજે પાંચ સુધી સતત દિવસ રાત જોયા વિના અને રજાઓ પાળ્યા વિનાં આ બહેનો કામગીરી બજાવે છે. છતાં તેઓને ફિક્સ વળતર તો માસીક રૂા. 2000/- જ અપાય છે. બાકી કામગીરી પ્રમાણે વધુ રૂપિયા 1500 થી 2000 કોઈ મહિનામાં અનિયમિત ચૂકવાય છે.. આ ઉપરાંત તેઓની માંગણી છે કે વર્તમાન સમયની મોંઘવારીને લક્ષમાં લેતા તથા લાંબા સમયની પૂર્વ દિવસની કામગીરી ધ્યાનમાં લેતા તેઓને વર્ગ-૩ અને ચારનાં કર્મચારી ગણવા જોઈએ. ફેસીલીએટર બહેનોને ડ્રેસ સાડી આપવાની ર૦૧૯ ના બજેટમાં જાહેરાત કરાયેલ- આજની તારીખ સુધીમાં આપવામાં આવેલ નથી. તે તાકીદે આપવામાં આવે. સમાજ સુરક્ષાના લાભો જેવાકે પેંશન, ગ્રેજ્યુએટી, પ્રો. ફંડ, ઈ.એસ. આઈ. યોજનાના લાભો આપવા સહિતના મુદ્દે માંગણી કરી છે. અંતમાં ઉપરોક્ત માંગણીઓ મુદ્દે આગામી 10મી સપ્ટેમ્બર સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો ગાંધીનગરમાં વિશાળ રેલી તથા હડતાલ સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારી છે.