ચશ્માના વેપારી એસોસિએશને ગણતરીના સમયમાં ચોરી ભેદ ઉકેલવાની પોલીસની કાર્યવાહીને બિરદાવી સન્માન કર્યું મોરબી : મોરબીમાં થોડા સમય પહેલા ચશ્માના વેપારીના ઘરે થયેલી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. જો કે થોડા સમયમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જતા ચશ્માના વેપારીઓ પોલીસની સરાહનીય કામગીરી બિરદાવવા પોલીસ મથકે દોડી ગયા હતા અને ચશ્માના વેપારી એસોસિએશને ગણતરીના સમયમાં ચોરી ભેદ ઉકેલવાની પોલીસની કાર્યવાહીને બિરદાવી સન્માન કર્યું હતું. મોરબીના રવાપર રોડ ઉપર સેલના પેટ્રોલપંપ સામે 5-શક્તિપ્લોટમાં બેન્ક ઓફ બરોડાની બાજુમાં રહેતા સંજયભાઈ ભોગીભાઈ વોરા (મહાવીર ચશ્માઘરવાળા)ના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઘરમાંથી રૂ. 1.75 લાખ રોકડા અને રૂ. 50 હજારની કિંમતની સોનાની બુટી તેમજ લેડીઝના 25 જોડી કપડા અને 1 મોબાઈલ સહિત 2.15 લાખની માલમતા ચોરી ગયા હતા. દરમિયાન મકાનમા ઘરફોડ ચોરીના બનાવ મામલે મોરબી સીટી ડિવિઝન પોલીસના નગરદરવાજા ચોકી સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા આજુબાજુના દુકાન તથા પેટ્રોલપંપના સી.સી.ટી.વી કેમેરા મારફતે અને સઘન તપાસ કરીને આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ઘટનામાં નેપાળી ચોકીદારે જ હાથ માર્યો હોવાનું અને હાલ એક પકડાયો અને બે ફરાર છે. ચોરીનો બનાવ તત્કાળ ઉકેલી નાખતા ચશ્માના વેપારી એસોસિએશનના નેજા હેઠળ વેપારીઓએ મોરબી એ ડિવિઝન પીઆઇ સોનારા, પીએસઆઇ આર.પી.રાણા સહિતના સ્ટાફનું સન્માન કર્યું હતું.