ગરીબ જનતાને આપવાનો અનાજ ચોખાનો જથ્થો કરીયાણાની દુકાનમાંથી મળી આવ્યો : ઇન્ચાર્જ મામલતદારની હિંમતને જનતાની સલામ મોરબી : મોરબીમાં જિલ્લા પુરવઠા અધિકારીની આળસુ અને ભ્રષ્ટાચારી નીતિને પાપે સસ્તા અનાજના દુકાનદારો ગરીબોને અનાજ, કેરોસીન, ખાંડ, ચોખા, મીઠું, ચણા, દાળ આપવાને બદલે કાળા બજારમાં વેચી રોકડી કરી રહ્યાં હોવાનું જગ જાહેર છે ત્યારે ગઈકાલે ઇન્ચાર્જ સીટી મામલતદાર અને નવનિકયુક્ત તાલુકા મામલતદાર નિખિલ મહેતાએ સપાટો બોલાવી કાળા બજારમાં ધકેલાયેલ ઘઉં ચોખાનો જબરો જથ્થો સિઝ કરી કાળા બજારી કરતા તત્વોને સુધીરી જવા ઈશારો કર્યો છે. મોરબીના ઇન્ચાર્જ સીટી મામલતદાર નિખિલ મેહતા અને તેની ટિમ દ્વારા બાતમીને આધારે મોડીરાત્રીના સમયે મોરબી બાયપાસ રોડ ઉપર રેડ કરવામાં આવી હતી. જ્યાં મહાકાળી પ્રોવિઝન નામની દુકાન ધરાવતા રમેશભાઈ કણઝારીયાના ઘરેથી 158 બોરીમાં 5214 કિલો ઘઉં અને 90 બોરીમાં 3780 કિલોગ્રામ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં ઘઉં અને ચોખાનો આ જથ્થો પ્રથમ દ્રષ્ટિએ જ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાનો માલુમ પડતા ઇન્ચાર્જ સીટી મામલતદાર દ્વારા આ તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. રાજ્યસાત કરાયેલ તમામ બોરીઓ ઉપર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું લેબલ હતું જેથી કરીને આ જાહેર વિતરણ વ્યવસ્થાનો માલ ખાનગી દુકાનદાર પાસે કયાંથી આવ્યો તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પુરવઠા વિભાગની લાંચિયા અને ભ્રષ્ટાચારી તત્વોના પાપે મોરબીના સસ્તા અનાજના મોટાભાગના દુકાનદારો ગરીબોના હિસ્સાના અનાજ, ચોખા, કેરોસીન, મીઠું, દાળ, સહિતનો માલ ડાયવરઝન કરી ખુલ્લેઆમ ટ્રક, ટ્રેકટર ભરીને વેચી મારતા હોવાનું અને સીટી મામલતદાર કચેરીના જવાબદાર નાયબ મામલતદાર પણ આંખ આડા કાન કરી નોકરી કરવાને બદલે આવા કાળા બજારીની તરફદારી કરતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.