રાતાભેર, કવાડિયા અને દિઘડિયામાં અપમૃત્યુના બનાવ હળવદ : હળવદ તાલુકામાં યમરાજે ડેરાતંબુ તાણ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે રાતાભેર, કવાડિયા અને દિઘડિયામાં અપમૃત્યુના ત્રણ બનાવ બન્યા હતા જેમાં એક મહિલા અને બે યુવકના અકાળે મૃત્યુ નિપજ્યા હતા. અપમૃત્યુના પ્રથમ બનાવ માં હળવદના રાતભેર ગામની સીમમાં ધીરૂભાઇ વીરમભાઇ રજપુતની વાડીએ રહી ખેતી કરતા મૂળ મોગરા પટેલ ગામ, તા.કવાંટ, જી.છોટાઉદેપુરના વતની રૂલસીંગભાઇ બુમટાભાઇ રાઠવા ઇલેક્ટ્રિક મોટરના સ્ટાર્ટરમાં છેડા રીપેર કરતા હતા ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં હળવદના કવાડિયા ગામે રહેતા ખમ્માબેન દશરથસિંહ ડોડીયા ઉ.39 નામના મહિલા પોતાના ઘરે કોઇ કારણસર પેશકેટ નામની દવા પી જવાથી ઝેરી અસર થતા પ્રાથમિક સારવાર સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ બાદ વધુ સારવાર માટે રાજકોટ સદભાવના હોસ્પીટલમા લાવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા સુરેશભાઇ મગનભાઇ કાંજીયા, ઉ.35 વાળા પોતાની વાડીમા વાવેલ કપાસમા ત્રણ દિવસ પહેલા જંતુનાશક ઝેરી દવા છંટકાવ કરવાનુ કામ કરેલ હોય જેથી બીમાર થઇ જતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. ત્રણેય બનાવમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.