હળવદ : હળવદના સરંભડા ગામે નમેદા કેનાલમાં ગઈકાલે બપોરે યુવાન ડૂબી જતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતા.જો કે સ્થાનિક તરવૈયાની મદદથી 24 કલાકની શોધખોળના અંતે યુવાનનો મૃતદેહ મળી આવતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રણછોડગઢ ગામે રહેતો માધાભાઈ રામસંગભાઈ થરેસા (ઉ.વ.38) નામનો યુવાન ગઈકાલે બપોરે તેમના ગામ નજીક આવેલ હળવદ તાલુકાના સરંભડા ગામેથી નીકળતી મોરબી તરફની નર્મદા કેનાલના કાંઠે ગયો હતો. ત્યારે અકસ્માતમાં પગ લપસ્તા આ યુવાન નર્મદા કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. યુવાન કેનાલમાં ડૂબી ગયાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં મામલતદાર અને ટીડીઓ સાહિતનું તંત્ર ઘટનાસ્થળે દોડી જઇ મામલતદારે કેનાલમાં પાણી પ્રવાહ બંધ કરવાની સૂચના આપી હતી અને કેનાલ બંધ કરીને સઘન શોધખોળ કરતા આજે 24 કલાકના અંતે નર્મદા કેનાલમાં યુવાન જ્યાં ડૂબ્યો હોય ત્યાંથી ત્રણ કિમિ દૂરથી તેની લાશ મળી આવી હતી. આથી પોલીસે લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.