રાજીનામુ મંજુર કરી ઉપસરપંચને ચાર્જ સોંપવા ટીડીઓનો હુકમ ટંકારા : વર્ષોથી સમરસ થતી આવતી ટંકારા તાલુકાની લખધીરગઢ ગ્રામ પંચાયતના સરપંચે અચાનક જ રાજીનામુ ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ રાજીનામાં પાછળ રાજકીય ખંદાખંદી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ગામનુ તોરણ બંધાયા બાદ હરહંમેશ બિન હરીફ થતી આવતી ટંકારા તાલુકાની લખધીરગઢ ગ્રામ પંચાયતના સરપંચ મગનલાલ નાનજીભાઈ વિઠલાપરાએ અચાનક જ રાજીનામું આપી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. સભ્યો અને સરપંચ સમરસ બની જતા હોય એવા લખધીરગઢ ગામે રાજકીય ખંદાખંદીનો શિકાર સરપંચ બન્યા હોવાનો હાલમાં સુર ઉઠ્યો છે. રાજીનામું આપનારા સરપંચ ગ્રામપંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ઓબીસી અનામત બેઠક ઉપર સમરસ તરીકે ગામે જ તેઓને સરપંચ બનાવ્યા હતા. જો કે, હાલમાં ટંકારા ટીડીઓએ રાજીનામુ મંજુર કરી લઈ ઉપ સરપંચ ધાર્મિષ્ઠાબેન સુભાષભાઈ ઢેઢીને સરપંચનો ચાર્જ તાત્કાલિક સંભાળી લેવા હુકમ કર્યો છે.