કચ્છમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકત્રિત કરવા રાજકોટ ડિવિઝનની 210 મોકલી દેવાઈ મોરબી : વડાપ્રધાનની કચ્છ મુલાકાત દરમિયાન માનવમેદની એકત્રિત કરવા એસટીની સેંકડો બસ મોકલી દેવામાં આવી છે જે અન્વયે મોરબીની 20 અને વાંકાનેર ડેપોની 30 સહિત રાજકોટ ડીવીઝનની 210 બસ ફાળવી દેવતા એક્સપ્રેસ, લોકલ રૂટ ઠપ્પ થઈ જતા આજે મુસાફરોને રઝળપાટ કરવી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.27 અને 28 ઓગસ્ટના બે દિવસના ગુજરાત પ્રવાસને પગલે આજે સાબરમતી રિવરફ્રન્ટ અને કાલે તા. 28ના કચ્છ જિલ્લાના પ્રવાસને લઈ એસટી વિભાગની સંખ્યાબંધ બસ આ કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે. જે અન્વયે એકલા રાજકોટ ડીવીઝનની 210 આ કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે. જેમાં મોરબી ડેપોની 20 અને વાંકાનેરની 30 બસ ફાળવી દેવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં મોરબી અને રાજકોટની એક સામટી 50 બસ ફાળવી દેવાતા આજે અને કાલના દિવસ માટે ઇન્ટરસિટી, લોકલ અને એક્સપ્રેસના અનેક રૂટ કાપી નાખવામાં આવતા મુસાફરોને ખાનગી વાહનોમાં ઉંચા ભાડા ચૂકવી રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો.