ભૂગર્ભ ગટર માટે ખાડા ખોદયા બાદ ખાડા ન પુરાતા વાહનો ફસાઈ જવાથી તંત્ર સામે રોષ મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટની પહેલેથી જ ખરાબ દુર્દશા છે. આટલું ઓછું હોય એમ લાતીપ્લોટમાં ભૂગર્ભ ગટર માટે ખાડા ખોદયા બાદ તંત્રએખાડા ન પુરાતા હાલ વરસાદી વાતાવરણ વચ્ચે ગારા કીચડને કારણે ખાડા જોખમી બની જતા વારંવાર વાહનો ફસાઈ છે. જેમાં આજે વધુ એક માલવાહક ટ્રક ફસાઈ ગયો હતો. મોરબી નગરપાલિકાનો કમાઉ દીકરો ગણાતો લાતીપ્લોટ વિસ્તારમાં વર્ષોથી નેતાઓ અને તંત્રની ધોર ઉપેક્ષાનો શિકાર બન્યો છે. લાતીપ્લોટ અનેક નાના મોટા ઉધોગો હોય પણ પ્રાથમિક સુવિધાના અભાવે લાતીપ્લોટના તમામ પ્રકારના નાના મોટા લઘુ ઉધોગોનો વિકાસ રૂંધાઇ ગયો છે. સગવડવાળા મોટા ઉધોગગૃહો તો વહેલા હિજરત કરી ગયા છે. જે ઉધોગકારો બચ્યા છે તેની મજબૂરી છે કે તેઓ એટલા સક્ષમ નથી સારી જગ્યાએ શિફ્ટ થઈ શકે. કોરોડો રૂપિયાનો ટેક્સ ભરતો હોવા છતાં લાતીપ્લોટની હાલત વર્ષોથી બદતર રહી છે. તેમાંય ચોમાસામાં તો લાતીપ્લોટમાં અવરજવર કરવું મુશ્કેલ બને છે. હાલ લાતીપ્લોટમાં ચોમાસામાં વરસાદી વાતાવરણને કારણે ઠેરઠેર ગારા કીચડ અને પાણી ભરાયેલા છે. આટલું ઓછું હોય એમ તંત્રના કોન્ટ્રાકટરોએ અધુર કામ છોડીને સ્થાનિકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. જેમાં લાતીપ્લોટ શેરી-7માં ભૂગર્ભ ગટરની લાઈન માટે ખોદાણ કરવામાં આવ્યું હતું. પરંતુ લાઈન નાખીને ખાડા જેમની તેમજ હાલતમાં છોડીને કોન્ટ્રાકટરોએ દરેક વખતની જેમ કામમાં વેઠ ઉતારી હતી. હવે લાતીપ્લોટ ઉધોગો હોવાથી માલ ભરી ટેમ્પો, ટ્રક જેવા વાહનો આવતા હોય પણ ખાડાને કારણે તેમજ હાલ ગારા કીચડને કારણે ખાડાની પરિસ્થિતિ નાજુક બની જતા વાહનો ખાડામાં ખુંપી જાય છે. આજે પણ એક ટ્રક ખાડામાં ખુંપી ગયો હતો. આથી તંત્ર વહેલીતકે આ સમસ્યા હલ કરે તેવી માંગ ઉઠી છે.