મોરબીઃ તાજેતરમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મોરબી રમત ગમત વિભાગ દ્વારા સાર્થક વિદ્યામંદિરનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા ખેલ મહાકુંભમાં વિજેતા થયેલા સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું તેમજ સમગ્ર મોરબી તાલુકામાં ખેલ મહાકુંભમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલ 11 માં ખેલ મહાકુંભ 2022માં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં 8 ટીમ અને 14 વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા થઈને ઝોન તેમજ રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરેક 110 વિદ્યાર્થીઓને સન્માનવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ બેન વ્યાસ, મોરબી જિલ્લાના સ્પોર્ટ્સ કન્વીનર દિનેશભાઈ હુંબલ અને પ્રવીણભાઈ ઉપરાંત શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ, કમલેશભાઈ અંબાસણા, પ્રવીણભાઈ રાજાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહાકુંભ- 2022માં મોરબી તાલુકામાં 53 પોઇન્ટ સાથે શાળાએ બીજો નંબર મેળવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ અને શાળાને ઉપસ્થિત અધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા. પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પોતાના વક્તવ્યમાં હિરલબેન વ્યાસે સરકારના વિવિધ આયોજનો તેમજ કિશોરભાઈ શુકલએ વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે આગળ જવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.