વરસાદી પાણીનો નિકાલ જ ન હોવાથી સતત વરસાદી પાણી ભરાયેલા હોવાથી તંત્રના પાપે લોકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર મોરબી : મોરબીના પોશ વિસ્તાર ગણાતા અવની ચોકડીમાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યા બાદ આ વિસ્તાર ત્યારે જળબંબાકાર થઈ ગયો હતો. પણ વરસાદના વિરામ બાદ હજુ પાણી ભરાયેલા હોય અને આ વરસાદી પાણી દૂષિત થઈ જવાથી આસપાસના લોકો અને સ્કૂલના બાળકો ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્ર આ વરસાદી પાણીનો કાયમી નિકાલની વ્યવસ્થા કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. અવની ચોકડી આસપાસ રહેતા લોકોના જણાવ્યા મુજબ અવનો ચોકડીથી અવની સોસાયટી એટલે મેઘાણી સ્કૂલ સુધીનો રસ્તો ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે મેઘવીરામ રહ્યાને ત્રણ દિવસ થયા હોય ઘણા વિસ્તારમાં પાણી ઓસરી ગયા કે એની મેળે નિકાલ થઈ ગયો છે. પણ અવની ચોકડી પાસે હજુ પણ એટલા જ પાણી ભરાયેલા છે. આ આખો રસ્તો પાણીમાં હજુ ગરકાવ છે. સમય જતાં વરસાદી પાણી હવે ગંદુ થઈ ગયું હોય રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. સ્કૂલના બાળકો અને આ વિસ્તારમાં વસવાટ કરતા આશરે 10 હજાર જેટલા લોકોને ગંદા પાણીમાંથી ચાલવાની ફરજ પડે છે. ઘણીવાર રોડ ઉલર પડેલા ખાડાને કારણે વરસાદી પાણીમાં વાહનો ફસાઈ જાય છે. આ વિસ્તાર આમ તો ગર્ભ શ્રીમંત વસાહત છે. પણ દર વર્ષે પાણીનો નિકાલ ન હોવાથી દિવસપ સુધી ચોમાસામાં આ રીતે વરસાદી પાણી ભરાઈ રહે છે તેથી લોકોને ભારે હાલાકી પડે છે. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં વરસાદી પાણીનો કાયમી નિકાલ ન થતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપી ગયો છે.