સર્કિટ હાઉસ નજીક બેનલી ઘટનામાં ધૂમ સ્ટાઇલ બાઈક હંકારનાર અકસ્માત સર્જી ફરાર મોરબી : મોરબીમાં વેવાઈને ત્યાં પુત્રના લગ્નની તારીખ જોવડાવવા આવેલા રાજકોટના દંપતીને સર્કિટ હાઉસ નજીક ધૂમ સ્ટાઇલમાં નીકળેલા બાઈક ચાલકે હડફેટે લેતા એકટીવા સાથે નીચે પટકાયેલ દંપતી ઘાયલ થયું હતું જેમાં પતિને હેમરેજ થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ગાંધીગ્રામ ગૌતમનગરમાં રહેતા જયદીપભાઇ ચંદ્રકિશોરભાઇ સોલંકીની સગાઈ વાવડી રોડ ઉપર થયેલ હોય ગત તા.20 ઓગસ્ટના રોજ માતાપિતા સાથે લગ્નની તારીખ નક્કી કરવા મોરબી આવ્યા હતા. દરમિયાન બપોરના સમયે વેવાઇ વેલા સાથે જયદીપભાઇના પિતા ચંદ્રકિશોરભાઇ સોલંકી સહિતના લોકો ખોખરા હનુમાનજી મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે સર્કિટ હાઉસ નજીક સીલ્વર કલરના યુનીકોર્ન મોટર સાયકલ નંબર જીજે-13-પી-0500ના ચાલકે ધૂમ સ્ટાઇલ પુર ઝડપે બાઈક ચલાવી ચંદ્રકિશોરભાઇ સોલંકી અને તેમના પત્નીને પછાડી દઈ અકસ્માત સર્જી નાસી ગયો હતો. બાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા દંપતીને પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યા ચંદ્રકિશોરભાઇ સોલંકીને માથામાં હેમરેજ થયું હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં અકસ્માત સર્જી નાસી ગયેલા યુનિકોર્ન બાઇકના ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.