ત્રણ કરોડના ખર્ચે મંજુર થયેલ કોઝવે નિર્માણ ન કરતા ચોમાસામાં ગ્રામજનો પરેશાન માળીયા : માળીયા તાલુકાના વર્ષામેડી ગામને હાઇવેથી જોડતો કોઝવે નિર્માણ ન થતા ચોમાસા દરમિયાન ગામ વિખૂટું પડી જાય છે ત્યારે ગઈકાલે મોરબીમાં પડેલા ભારે વરસાદને કારણે ગામ ફરતે પાણી ફરી વળતા કોઝવે ઓળંગી પોતાના ઘેર જવાની કોશિશ કરનાર વ્યક્તિ પાણીના વહેણમાં તણાયો હતો. જો કે, સદનસીબે બે તરવૈયાઓએ આ વ્યક્તિને બચાવી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના હાઇવેથી વર્ષામેડી ગામને જોડતા માર્ગ ઉપર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા હોય ગામ વિખૂટું પડી જાય છે. જેથી સરકાર દ્વારા 19 નવેમ્બર 2021ના રોજ વર્ષામેડી ગામને જોડતો કોઝવે બનાવવા માટે રૂપિયા 3 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે પરંતુ દુર્ભાગ્યવસ હજુ સુધી આ કોઝવેનું નિર્માણ થયું નથી. બીજી તરફ મોરબી પંથકમાં ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી હાઇવેથી વર્ષામેડીને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું અને એક વ્યક્તિ પોતાના ઘેર જવા માટે કોઝવે ઓળંગવા પ્રયાસ કરતા પુરના પ્રવાહમાં તણાઈ ગયો હતો. સદનસીબે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર બે તરવૈયાઓએ આ વ્યક્તિને બચાવી લીધો હતો. આ સંજોગોમાં ચોમાસા દરમિયાન વર્ષામેડી ગામમાં આવનજાવનમાં પડતી મુશ્કેલી નિવારવા તાકીદે મંજુર થયેલા કોઝવેનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે.