સરકાર પક્ષે માંગણી સ્વીકારાય જતા આંદોલન પૂર્ણ જાહેર કરાયું મોરબી : તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ ઉપર ચાલ્યા જતા ગામડાઓના વહીવટ ખોરંભે ચડ્યા હતા.અંતે 20 દિવસ બાદ આ હડતાલ સમેટાઈ ગઈ છે. બ્રિજેશ મેરજા સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. જેમા તલાટી કમ મંત્રીઓની માંગ સ્વીકારવામાં આવતા તેઓએ હડતાલને પૂર્ણ કરી છે. બ્રિજેશ મેરજાએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ પંચાયત વિભાગના અધિકારીઓ અને તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાનો સાથે તેઓના વર્ષો જુના અલગ અલગ પડતર પ્રશ્નો/માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીને ફળ સ્વરૂપે મહામંડળ દ્વારા હકારાત્મક સહમતી દર્શાવીને રાજીખુશીથી ચાલી રહેલ હળતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવેલ છે. માંગણી -1 : 2006 પહેલાની ભરતીના તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ કરવાની માંગણી સ્વીકારવામાં આવી છે. માંગણી -2 : પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ માટે ખાતાકીય પરીક્ષાના નિયમો બન્યા બાદ પરીક્ષા લેવાય તે તા.22/11/2019 સુધી પાત્રતા ધરાવતા તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પરિક્ષમાંથી મુક્તિ આપવાની માંગણી અંગે હકારાત્મક વિચારણા કરવામાં આવી છે. માંગણી-3 : બીજા ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટે, પ્રથમ અને બીજા ઉચ્ચતર પગાર ધોરણ માટે એક જ અભ્યાસક્રમ હોય બીજા ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા પરીક્ષામાંથી મુક્તિ આપવા અંગે હકારાત્મક વિચારણા કરવામાં આવેલ છે. પરંતુ બઢતી માટે પરીક્ષા આપવાની રહેશે. માંગણી -4 : રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીના જોબ ચાર્ટ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં અધિક મુખ્ય સચિવ( પંચાયત), અધિક મુખ્ય સચિવ( મહેસુલ) અને અધિક મુખ્ય સચિવ ( સામન્ય વહીવટ વિભાગ) એમ ત્રણ વિભાગના વડાઓનો સમાવેશ થશે. માંગણી -5 : પંચાયત તલાટીને તા.1/10/2012ના ઠરાવથી મળતું રૂ. 900નું ખાસ ભથ્થું વધારીને રૂ.3000 કરવા વિચારણા કરવામાં આવેલ છે.