બ્રિજેશ મેરજાએ કેનાલમાં પાણી બંધ કરાવવાના આદેશ આપ્યા હતા : ફાયરબ્રિગેડ ટીમ દ્વારા 26 કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો મોરબી : મોરબીના લખધીરપુર નજીક ગઈકાલે બપોરે કેનાલમાં ડૂબી ગયેલા ઉત્તરપ્રદેશના શ્રમિક યુવકનો મૃતદેહ આજે 26 કલાક બાદ મળી આવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ નજીક પસાર થતી કેનાલમાં ગઈકાલે બપોરે 12 વાગ્યાના અરસામાં ઉત્તરપ્રદેશના વતની અને આલ્ફાના કોન્ટ્રાકટ હેઠળ છૂટક મજૂરી કામ કરતા રાજુ નાયક ઉ.25 ડૂબી ગયો હતો. શ્રમિક યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ગઈકાલથી જ તરવૈયાની ટીમ મારફતે ડૂબી ગયેલા શ્રમિક યુવાનને શોધવા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી મોડીરાત્રી સુધી યુવાનની શોધખોળ કરી હતી પરંતુ યુવાનનો પતો લાગ્યો ન હતો. આ બનાવ અંગે જાણ થતાં મોરબીના ધારાસ્યપદ અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ તાકીદે કેનાલમાં પાણી બંધ કરાવવાના આદેશ આપ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારથી કેનાલમાં ડૂબેલા રાજુ નાયક નામના યુવાનને શોધવા ફરી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરાતા બપોરના સમયે શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.