તહેવારોના દિવસોમાં સ્વાદપ્રેમીઓ માટે આજે અમે લઈને આવ્યા છીએ એક નવી રેસિપી. આ રેસીપી એટલે કાજુ કરી. કાજુ કરી બનાવવું એકદમ સરળ છે અને ઘરે માત્ર 10 મિનિટમાં સરળતાથી બની જાય છે. તો તમે પણ ઘરે બનાવો કાજુ કરી. કાજુ કરી સાથે તહેવારોની મજામા ઓર વધારો થશે.. સામગ્રી:- 2 કપ કાજુ 3 થી 4 ડુંગળી 2 થી 3 ટામેટા મીઠો લીમડો લાલ મરચું હળદર જીરું કસુરી મેથી કોથમીર 3 ચમચી તેલ સ્વાદાનુંસાર મીઠું ઘી તજ લવિંગ ઇલાયચી 1 કપ દહીં 2 ચમચી મલાઇ બનાવવાની રીત:- કાજુ કરી બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળી, ટામેટાને ઝીણાં સમારી લો. પછી એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં કાજુ નાંખો અને તળી લો. બ્રાઉન રંગના કાજુ થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો. ત્યારબાદ કાજુને મિક્સરમાં પીસી લો. હવે એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં હિંગ નાંખો અને પછી એમાં ડુંગળી અને ટામેટા નાંખો. 2 થી 3 મિનિટ રહીને એમાં ઇલાયચી, તજ, લવિંગ અને મીઠો લીમડો નાંખો. આ બધી જ સામગ્રીને 2 થી 3 મિનિટ માટે થવા દો અને પછી ગેસ બંધ કરી દો. ગેસ બંધ કર્યા પછી આ મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી લો. હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું નાંખો. ત્યારબાદ પેસ્ટ નાંખો અને સાંતળો એટલે ગ્રેવી તૈયાર થઇ જશે. ગ્રેવીમાંથી તેલ છૂટ્ટુ પડે એટલે એમાં મસાલો કરો અને તળેલા કાજુ નાંખો પછી 8 થી 10 મિનિટ માટે થવા દો. ત્યારબાદ આમાં દહીં અને મલાઇ નાંખો. પછી કસુરી મેથી નાંખો અને ગેસ બંધ કરી દો. તો તૈયાર છે કાજુ કરી.