મોરબી: 18 ઓગસ્ટ, 1945 ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિમાન મારફતે મંચુરિયા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેઓ લાપતા થઈ ગયા હતા. ત્યાર બાદ તેઓ કોઈને ક્યારેય જોવા મળ્યા નથી. ત્યારે આજે 18 ઓગસ્ટના રોજથી મોરબી ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવવામાં આવશે. 23 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનની દોમેઈ ખબર સંસ્થાએ દુનિયાને જાણકારી આપી, કે 18 ઓગસ્ટ, 1945ના રોજ, નેતાજીનું હવાઈ જહાજ તાઇવાનની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા નેતાજીને હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકાર દ્વારા આ ઘટનાની તપાસ કરવા હેતુ 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયું. બંને વખત એ હકીકત જાણવા મળી કે, નેતાજીએ વિમાન દુર્ઘટનામાં જ અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો, આ બંને આયોગોની વાત જ નહોતી કરેલી. 2005માં તાઇવાન સરકારે જણાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ન હતું. ત્યારથી આજ સુધી ભારત સરકાર પાસે નેતાજીનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયાનો કોઈ પુરાવો નથી. અમુક ઇતિહાસકારોના મત અનુસાર નેતાજી ગુમનામી બાબા તરીકે જીવ્યા હતા, જ્યારે અમુક ઇતિહાસકારોના કહેવા પ્રમાણે તેઓ દુર્ઘટનામાં જ મૃત્યુ પામ્યા હતા. પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુનો ચોક્કસ પુરાવો આજ સુધી મળ્યો નથી. 18 ઓગસ્ટ, 1945નાં દિવસ પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું એ ભારતના ઇતિહાસનું સૌથી મોટું રહસ્ય બની ગયું છે. આથી ક્રાંતિકારી સેના દ્વારા આજથી 18 ઓગસ્ટનાં દિવસને ગુમનામી દિવસ તરીકે મનાવવામાં આવશે.