રાજકીય અગ્રણીઓએ મેળો ખુલ્લો મુકતાની સાથે મેળાના માણીગરો મેળો મહાલવા ઉમટી પડ્યા હળવદ : હળવદવાસીઓ કોરોના કાળના બે વર્ષ બાદ જન્માષ્ટમીનો લોકમેળો માણી શકે એ માટે હળવદ નગરપાલિકા અને રાધેશ્યામ ગ્રુપ દ્વારા આજે ગુરુવારે શીતાળા સાતમથી ચાર દિવસના જન્માષ્ટમીના ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકીય અગ્રણીઓએ મેળો ખુલ્લો મુકતાની સાથે મેળાના માણીગરો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા. હળવદ નગરપાલિકા અને રાધેશ્યામ ગ્રુપ દ્વારા આજે શીતળા સાતમના અવસરે સાંજે હળવદ શહેરમાં આવેલ ભવાની ભુતેશ્વર માતાજીના મંદિરે રાજકીય અગેવાનોના હસ્તે જન્માષ્ટમીનો ચાર દિવસનો લોકમેળો જાહેત જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, કોંગ્રેસ આગેવાન હેમાંગ રાવલ સહિતના હસ્તે લોકમેળાને ખુલ્લો મુકાતા જ લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની મોજ માણી હતી. જો કે દર વર્ષે જન્માષ્ટમીનો મેળો યોજાતો હોય પણ કોરોના કાળે છેલ્લા બે વર્ષથી આ લોકમેળા ઉપર બ્રેક લગાવી હતી.ત્યારે કોરોના કાળના બે વર્ષ બાદ આજથી ચાર દિવસિય લોકમેળો શરૂ થતાં આ લોકમેળાને મનભરીને માણવા હળવદ પંથકના લોકોમાં ભારે થનગનાટ જોવા મળે છે. આ લોકમેળામાં ફજેત ફાળકા, અવનવી રાઇડ્સ, મોતનો કૂવો,ટોરા ટોરા અને ખાણી પીણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની સુરક્ષા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત તેમજ સીસીટીવી કેમેરા, પાર્કિગ સ્થળ સહિતની તમામ વ્યવસ્થા કરી છે.ખાસ કરીને આવતીકાલે જન્માષ્ટમીના દિવસે મેળો જામશે અને હજારો લોકો ઉમટી પડીને મેળાનો મનભરીને નિર્દોષ આનંદ લૂંટશે.