માળીયા કચ્છ હાઇવે ઉપર વીરવિદરકાના પાટિયા નજીક બનેલ બનાવમાં માસૂમ બાળક અને મામાનો બચાવ મોરબી : માળીયા તાલુકાના વધારવા ગામે ભાઈને રાખડી બાંધી મોટર સાયકલ લઈને ભાઈ સાથે પરત ફરી રહેલા બહેન, બનેવી અને ભાણેજને કાળમુખા કન્ટેનર ચાલકે કચ્છ માળીયા હાઇવે ઉપર હડફેટે લેતા રક્ષાબંધનના સપરમાં દીવસની સાંજે જ ભાઈની નજર સામે બહેન બનેવીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રણ વર્ષના માસૂમ ભાણેજ અને મામાને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વધારવા ગામે મહાવીરસીંહ પુથ્વીરાજસીંહ જાડેજાની વાડીએ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ઘાર જિલ્લાના વતની માનસીંગ ભુરૂભાઇ ગોરવાલના બહેન અને બનેવી રક્ષાબંધન પર્વને લઈ રાખડી બાંધવા આવ્યા હતા અને બાદમાં રાત્રીના જમીને પરત તેમના બેન બનેવી અને ત્રણ વર્ષનો ભાણેજ તેમની વાડીએ પરત જતા હોય માનસિંગભાઈ પણ તેમની સાથે જતા હતા. દરમિયાન માળીયા કચ્છ હાઇવે ઉપર વીરવિદરકા ગામના પાટિયા પાસે તેમનું બાઈક પહોંચતા અજાણ્યા કન્ટેનર ચાલકે બાઇકને હડફેટે લેતા માનસિંગભાઈ અને તેમના ત્રણ વર્ષના ભાણેજ મનિષ વેલસીંગભાઈ રાઠવાને ઇજાઓ પહોંચી હતી જ્યારે માનસિંગભાઈના બનેવી વેલસીંગ મગલસીંગ રાઠવા ઉ.33ને માથાના ભાગે ટ્રકનુ ટાયર ફરી જતા મૃત્યુ નીપજ્યું હતું એ જ રીતે તેમના પત્ની રજીબેન વેલસીંગભાઈ રાઠવા ઉ.30ને પણ ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે માનસિંગભાઈની ફરિયાદને આધારે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.