પેટ્રોલપંપના માલિકે સગા ભાઈ એવા બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના માળીયા ફાટક પાસે ધરતી પેટ્રોલપંપમા નોકરી કરતા બે સગા ભાઈઓ પેટ્રોલપંપના હિસાબ પેટેના રૂપિયા 78,500ની રોકડ લઇ નાસી જતા આ મામલે પેટ્રોલપંપ માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળીયા ફાટક પાસે આવેલ ધરતી પેટ્રોલપંપના માલિક વિજયભાઇ જેઠાભાઇ પારેઘીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પેટ્રોલપંપમાં નોકરી કરતા ભરતગીરી લક્ષ્મણગીરી બાવા અને રમેશગીરી લક્ષ્મણગીરી બાવા, રહે-ગંગવા ગામ તા.દાંતા જી.બનાસકાંઠા વાળા ગત તા.11ના રોજ રાત્રીના પેટ્રોલ ભરવાની કામગીરી સોપેલ હોય જે પેટ્રોલના વેચાણના આવેલ કુલ રૂપીયા 78,500નો હિસાબ આપ્યા વગર નાસી ગયા હતા. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બન્ને સગાભાઈ એવા આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૮, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.