ક્રાંતિકારી સેના દ્વારા સમારકામ કરવા રજુઆત મોરબી : મોરબીમાં વિવિધ સ્થળોએ આવેલી ક્રાંતિકારી મહાનુભાવોની પ્રતિમાઓની સ્થિતિ અત્યંત ખરાબ હોય ક્રાંતિકારી સેના દ્વારા આવી અવદશા પામેલ પ્રતિમાઓનું વહેલી તકે સમારકામ કરવા માંગ ઉઠાવી છે. મોરબી ક્રાંતિકારી સેનાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ભારત દેશની આઝાદી માટે જે મહાપુરુષો અને ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું છે, તેવા મહાન ક્રાંતિકારી ભગતસિંહની પ્રતિમા ગાંધી ચોક ખાતે, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નવા બસ સ્ટેશન સામે તેમજ એસડીએમના ઘર સામેની પ્રતિમા, ગાંધી બાગમાં આવેલ ગાંધીની પ્રતિમાની હાલત ખૂબ દયનીય સ્થિતિમાં છે. તેજ રીતે નગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા અને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે તેવી જ રીતે આ તમામ પ્રતિમાઓનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેમજ અમુક પ્રતિમાની ફરતે પાણીના ફુવારો મુકવામાં આવેલ છે તે ચાલુ કરો અથવા તેને તેમાંથી કાઢી નાંખો જેથી ગંદકી ઓછી થાય તેવી માંગ કરી છે.