અગાઉ પાઇપલાઇન નાખ્યા બાદ સમથળ કરવાને બદલે માત્ર માટી નાખી દેતા વરસાદને કારણે ભીની માટીમાં વારંવાર વાહનો ખુંપી જવા છતાં તંત્રની ઉંઘ ન ઉડી મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર અગાઉ પાઇપલાઈન નાખ્યા બાદ યોગ્ય રીતે સમથળ કરવાને બદલે માત્ર માથે માટી નાખી દેતા વરસાદને કારણે વારંવાર વાહનો ખુંપી જતા હોવાની વચ્ચે આજે વધુ એક ગાડી ફસાઈ ગઈ હતી.જો કે અગાઉ ખાડો ખોદે તે પડે ની માફક ખુદ નગરપાલિકાની કચરા ગાડી ફસાઈ હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા આજે વધુ એક વાહન ખુંપી જતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. મોરબીના પંચાસર રોડ પરના લોકોએ જણાવ્યું હતું કે,પંચાસર રોડ ઉપર અગાઉ રોડ ખોદીને કોન્ટ્રાકટરો દ્વારા મોટી પાઇપલાઇન નાખવામાં આવી હતી. પાઇપલાઈન નાખ્યા બાદ કોન્ટ્રાકટરો દ્વારા માથે રોડને સમથળ કરવાને બદલે માત્ર પોચી માટી નાખી દીધી હતી. દરમિયાન વરસાદ પડતાં આ માટી પીગળી ગઈ હોવાથી જેવા વાહનો નીકળવાની ત્યાંથી કોશિશ કરે કે તરત જ વાહનો આ માટીમાં એ હદે ખુંપી જાય કે મહામહેનતે બહાર કાઢવા પડે છે. વરસાદ સમયે તો દરરોજ ઘણા વાહનો આ માટીમાં ફસાઈ ગયા હતા હજુ પણ માટી ભીની હોવાથી દરરોજ એકાદ બે વાહન ફસાઈ જાય છે. થોડા સમય પહેલા મોરબીના પાંચસર રોડ ઉપર નગરપાલિકાની કચરા ગાડી નીકળી કે તરતજ ભીની માટીમાં ખુંપી ગઈ હતી. છતાં તંત્રને ફરજનું ભાન થયું ન હતું. આજે એક કાર આ ભીની માટીમાં ખુંપી ગઈ હતી. લોકોએ મહામહેનતે બહાર કાઢી હતી.પણ રોજ રોજ આવી રીતે વાહનો ખુંપી જવા છતાં તંત્ર ધ્યાન ન દેતા સ્થનિકોમાં રોષ જોવા મળ્યો છે.