હળવદ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ રક્ષાબંધનની કરી સાર્થક ઉજવણી હળવદ : હળવદની શાળાઓની બાળાઓએ શહીદી વહોરનાર વીરોના પાળિયાઓને રાખડી બાંધીને રક્ષાબંધનની સાર્થક ઉજવણી કરી હતી. ઝાલાવાડમાં શહીદી વહોરનાર વીરોના સૌથી વધુ પાળિયાઓ હળવદના પાદરમાં આવેલા છે. જેઓએ બહેનો દીકરીઓની રક્ષા અને પશુધન બચાવવા માટે શહીદી વહોરેલી એવા પાળિયાની અમરગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલ સ્મશાનમાં ધબકતી જોવા મળે છે. ત્યારે રક્ષાબંધનના પર્વના દિવસે હળવદની પ્રાથમિક શાળા નંબર ૧૦ના સામાજિક વિજ્ઞાનના શિક્ષક દીપકભાઈ ચૌહાણ દ્વારા શાળાની બાળાઓને સામુહિક રીતે હળવદમાં આવેલા નરબંકાઓના સિંધુરિયા પાળિયા પાસે લઈ જઈ તેમની વિરકથા અને ઇતિહાસની માહિતી આપી હતી. અને બાદમાં આ બાળાઓએ શહીદ વીરોનાં પાળીયાઓનું પૂજન કરી તેમને રક્ષા દોરી બાંધીને તેમના બલિદાનને વંદન કર્યા હતા.