આજે રક્ષાબંધનના પર્વ ઉપર સવારથી સાસરે રહેતી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા નીકળી, દરેક બહેને પોતાના ભાઈને રાખડી બાંધી અને ભેટ સોગાદ આપતી વખતે સ્નેહની નિર્દોષ મજાક મસ્તીની છોળો ઉડી, સંસ્થાઓની બહેનોએ દેશની સીમાનું રક્ષણ કરતા દેશના જવાનોને રાખડી મોકલાવી, ઘણી બહેનોએ પોલીસ અને જેલ સ્ટાફને પણ રાખડી બાંધી મોરબી : ભૈયા મેરે રાખી બંધન કો નિભાના.. મોરબી આજે દરેક ઘરમાં ભાઈ બહેનના હેત-પ્રેમના બંધન સમાં પર્વ રક્ષાબંધન નિમિતે નાના ભાઈ બહેનથી મોટા ભાઈ બહેનોમાં એકદમ પવિત્ર સ્નેહ સાથે નિર્દોષ મજાક મસ્તીનું વાતાવરણથી અનોખો ઉમંગ અને ઉલ્લાસ સર્જાયો હતો. દરેક બહેનોએ સજી ધજીને પોતાના ભાઈને પાટલે બેસાડી કપાળે કુમકુમ તિલક કરી કાંડે રાખડી બાંધીને હેતથી એકબીજાના મો મીઠા કરાવ્યા હતા. જ્યારે બહેને ભેટ સોગાદ આપતી વખતે ભાઈએ સ્નેહ સાથે નિર્દોષ મસ્તી કરતા બહેન ભાવુક બનીને વીરાની સદાય રક્ષા કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. મોરબીમાં રક્ષાબંધનની દરેક ઘરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. નાના ભાઈ બહેનથી માંડીને મોટા ભાઈ બહેનમાં આજે રક્ષાબંધનના પર્વ ઉપર પવિત્ર સ્નેહનું ઝરણું વહ્યું હતું. જો કે મોરબીમાં સાસરે રહેતી બહેનો સવારથી જ પોતાના ભાઈને રાખડી બાંધવા નીકળી પડી હતી. ત્યારે નગરપાલિકાએ પણ આવી બહેનોને ભાઈને રાખડી બાંધવા જવામાં તકલીફ ન પડે તે ફ્રીમાં સિટીમાં મુસાફરીની સેવા આપી હતી. જો કે દૂર સાસરે રહેતી બહેનો મોરબી આવી ન શકતા કુરિયર દ્વારા અગાઈથી જ પોતાના ભાઈને રાખડી મોકલાવી હતી. તેમજ મોરબીમાં સાસરે રહેતી અન્ય સ્થળોની બહેનોએ પણ અગાઈથી પોતાના ભાઈને રાખડી મોકલાવી હતી. આ રીતે દરેક ભાઈ બહેને રક્ષાબંધન પવિત્ર હેત-પ્રેમથી ઉજવ્યું હતું. મોટાભાગના ઘરમાં આજે બહેનો સવારથી જ પોતાના વીરાને રાખડી બાધવાની તૈયારીમાં લાગી ગઈ હતી. જો કે દરેક બહેનોએ પોતાના ભાઈને મનગમતી રાખડીઓ બજારમાંથી ખરીદી લીધી હતી. આજે સવારે જ દરેક બહેન સોળે શણગાર સજી રાખડી અને મીઠાઈ તેમજ આરતી સાથે થાળ સજાવ્યો હતો અને દરેક બહેનોએ પોતાના ભાઈને પાટલે બેસાડી તેના કપાળે કુમકુમ તિલક કરી આરતી ઉતારીને ભગવાન દરેક આપતી વખતે ભાઈનું રક્ષણ કરે તેવી પ્રાર્થના સાથે તેના કાંડે રક્ષાકવચ રૂપી રાખડી બાંધી હતી. ભાઈએ પણ વર્ષોની પ્રણાલિકા મુજબ બહેનોને કિંમતી અને મનગમતી ભેટ સોગાદ આપીને બહેનોની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આ રીતે દરેક ભાઈ બહેન, નાના બાળકો, યુવાનોથી માંડી વડીલ ભાઈ બહેનોએ પણ રક્ષાબંધન અનેરા ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. દેશની સીમાનું પોતાના જાનના જોખમે રક્ષણ કરતા અને જેને કારણે આપણે સૌ દેશવાસીઓ સલામત અને સુરક્ષિત છીએ તે ભારતીય લશ્કરી દળના જવાનો ફરજના કારણે ઘરે પર્વ ઉજવવા જઈ ન શકતા અમુક બહેનોએ બોર્ડર ઉપર જઈને આ વીર જવાનોને રાખડી બાંધી તેમના રક્ષણ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. તેમજ ઘણી બહેનો અને સંસ્થાઓ બોર્ડર ઉપર જવાનો માટે અગાઉથી ભેટ સોગાદ સાથે રાખડી મોકલાવી હતી.જ્યારે શહેરની પ્રજાનું રક્ષણ કરતા પોલીસ જવાનો તેમજ જેલ સ્ટાફને પણ બહેનોએ રાખડી બાંધીને તેમના રક્ષણની પ્રાર્થના કરી હતી.