દોઢ રૂપિયાથી માંડીને 1200 રૂપિયા સુધીની વૈવિધ્યસભર રાખડીઓનો ખજાનો ઉપલબ્ધ મોરબી : મોરબીમાં ભાઈ બહેનના પવિત્ર સ્નેહને ઉજાગર કરતા રક્ષાબંધનને લઈને ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. દરેક બહેનો પોતાના ભાઈને રક્ષાકવચ એટલે સુશોભિત અને કલાત્મક રાખડીઓ બાંધવા માટે રાખડી ખરીદવા બજારોમાં ઉમટી પડી છે. મોરબીમાં દોઢ રૂપિયાથી માંડીને ચાંદીના વરખથી અને ડાયમંડથી મઢીલી 1200 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં મળે છે અને રાખડીઓની 2500થી વધુ વેરાયટીઓનો ખજાનો છે ત્યારે રક્ષાબંધન પર્વે મોરબીમાં દોઢેક કરોડની રાખડી વેચાય તેવી શકયતા છે. મોરબીમાં મોતી, પેડલ, મોર, ભાઈ-ભાભી સહિતની રાખડીની સૌથી વધુ ડિમાન્ડ છે. ગયા વખતે બાળકોમાં અદભુત રોશની દર્શાવતી રાખડી હોટ ફેવરિટ રહી હતી. એજ રીતે આ વખતે બાળકોની રાખડીઓ નવીનતા ઉમેરવામાં આવી છે. જેમાં ખાસ ચેક રબ્બર, જુદા જુદા આકારની રાખડીઓનો વધુ ક્રેઝ છે. જેમાં ટેલિફોન, ટેડીબેર જેવી 50થી વધુ વેરાયટીઓનો ખજાનો માત્ર બાળકો માટે જ છે. આ અંગે રાખડીના વેપારી દીપકભાઈ પોપટએ જણાવ્યું હતું કે, હવે રક્ષાબંધન નજીક હોવાથી મોટી સંખ્યામાં બહેનો રાખડીની ખરીદી માટે હમણાંથી આવતી હોય ત્રણ-ચાર દિવસથી રાખડીનું માર્કેટ થોડું તેજીમાં કહી શકાય એમ છે. અને આ રાખડીનું અંદાજે દોઢ કરોડનું માર્કેટ છે. હાલ છૂટક ફેરિયાથી માડીને મોટી દુકાનોમાં બહેનો પોતાના વીરા માટે અવનવી રાખડી ખરીદી રહી છે.