વોટ્સસપ મેસજ અને વીડિયો કોલ કરી વારંવાર ધમકી અપાતા પોલીસ ફરિયાદ ; કોઈ જાણભેદુનું કારસ્તાન હોવાની શક્યતા મોરબી : 25 પેટી ભેજ વરના તું જે ઓર તેરે પાર્ટનર કો ઠોક દેગે..... મોરબીના જેતપર રોડ ઉપર સિરામીક ફેકટરી ધરાવતા અને વાવડી રોડ ઉપર રહેતા ઉદ્યોગપતિને વોટ્સએપ કોલ તેમજ મેસેજ કરી કુખ્યાત લોરેન્સ બીશ્નોઈ ગેંગના નામે રૂપિયા 25 લાખની ખંડણી માંગવામાં આવતા આ ગંભીર બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબીના સિરામીક ઉદ્યોગ માટે ચિંતા રૂપ આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ રાધપાર્કમાં રહેતા મૂળ મોરબી તાલુકાના કાંતિપુર ગામના વતની અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જેતપર રોડ ઉપર સ્કાય ટચ સિરામિક નામની ફેકટરી ભાગીદારીમાં ચલાવે છે. ગત તા.29 જુલાઈના રોજ મોડી રાત્રે તેમના મોબાઈલ ફોનમાં+1(425)606-4366 નંબરથી મેસેજ આવ્યો હતો કે, લોરેન્સ બીશ્નોઈ ગેંગ કી ઔર સે યે મેસેજ હૈ, અનિલભાઈ હમકો 25 પેટી ચાહીએ, નહિ તો અપુન કા પન્ટર લોગ અનિલ કગથરા, પ્રશાંત કગથરા ઔર તેરે પાર્ટનર કો ઠોક દેગા, અપુન કે પાસ તેરા પુરા કુંડલી હૈ, સમજા ક્યાં.... અગર 25 લાખ નહિ દિયા તો ભાઉ ફેકટરી મત જાના નહિ તો ઉડા દેગે... જેવા ધમકી ભર્યા મેસેજ કરી SBI બેન્ક ના એકાઉન્ટ નંબર 20421021127, IFSC-SBI0000190 તથા PAYTM CHANDAN KUMAR 7766946803 માં પૈસા ટ્રાન્સફર કરી સ્લીપ તેમજ સ્ક્રીન શોટ મોકલવા ધમકી આપી હતી. બીજી તરફ લોરેન્સ બીશ્નોઈ ગેંગના નામે આપવામાં આવેલી ધમકીને પગલે સિરામિક ઉદ્યોગપતિની ઊંઘ હરામ થઈ જતા આ મામલે તેમના પાર્ટનર અને મિત્રને જાણ કરતા અંતે ગઈકાલે આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસે અનિલભાઈ કગથરાની ફરિયાદને આધારે વોટ્સએપ મેસેજ કરનાર અને sbi એકાઉન્ટ ડિટેઇલમાં જે નામ ખુલે તે ઈસમો વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ ૩૮૪,૩૮૭,૫૦૭,૫૧૧ મુજબ ગુન્હો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ગંભીર બનાવમાં ફેકટરી સંચાલકને નજીકથી ઓળખનાર કોઈ જાણ ભેદુ જ હોવાની પ્રબળ શકયતા જોવાઈ રહી છે ત્યારે હાલ મોરબી પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.