જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કાળઝાળ, સપ્લાયર કંપનીનું પેમેન્ટ અટકાવ્યું, બ્લેક લિસ્ટ કરવા માંગ મોરબી : મોરબી જિલ્લા પંચાયત દ્વારા સદસ્યની ગ્રાન્ટમાંથી વાંકાનેર અને ટંકારા તાલુકાના પાંચ આરોગ્ય કેન્દ્ર માટે ખરીદવામાં આવેલા લેબના સાધનો અને અન્ય આરોગ્ય સેવાને લાગતા સાધનો ટેન્ડરના સ્પેશિફિકેશન મુજબ સપ્લાય ન થતા આરોગ્ય સમિતિ ચેરમેન ઉકળી ઉઠ્યા છે અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આ પાર્ટીનું પેમેન્ટ અટકાવી દઈ બ્લેક લિસ્ટ કરવા માંગ ઉઠાવતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વાંકનેર તાલુકાના દલડી, લુણસર, મેસરિયા, તિથવા, કોઠી અને સિંધવદર તેમજ ટંકારા તાલુકાના સાવડી ગામના આરોગ્ય કેન્દ્ર માટે અનુક્રમે બાયોકેમેસ્ટ્રી એનેલાઈઝર, સેલ કાઉન્ટર, ઇસીજી મશીન તથા ડિલિવરી બેડ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા કરી હતી. વધુમાં આ પાંચથી વધુ આરોગ્ય કેન્દ્રના સાધનોની ખરીદીમાં કંપની દ્વારા નક્કી કરેલા સ્પેશિફિકેશન મુજબના સાધનો ન મોકલ્યા હોવાનું જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયાના ધ્યાને આવતા આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પત્ર પાઠવી કંપનીનું પેમેન્ટ અટકાવી દઈ બ્લેક લિસ્ટ કરવા માંગ કરતા તંત્ર દોડતું થયું હોવાનું અને કંપનીને બ્લેક લિસ્ટ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.