હાલ અનેક લોકો શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસમાં શું બનાવવું તે પ્રશ્ન દરરોજ સામે આવીને ઊભો રહી જાય છે. આ ઉપવાસમાં તમને પણ કંઈક નવીન ખાવાનું મન છે, તો આજે અમે તમારા માટે એવી જ એક વાનગી લઈને આવ્યા છીએ. જેનું નામ છે ફરાળી ઢોસા. આ ફરાળી ઢોસા ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે અને પેટ પણ ભરાઈ જાય છે. તો ઝટપટ નોંધી લો ફરાળી ઢોસાની રેસીપી .... સામગ્રી:- 2 કપ મોરૈયો 1 કપ સાબુદાણા સિંધાલું મીઠું દહીં તેલ પાણી બનાવવાની રીત:- ફરાળી ઢોંસા બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જાર લો અને એમાં માપ પ્રમાણે સાબુદાણા લઇને પીસી લો. આ સાબુદાણાને એક પ્લેટમાં લઇ લો. પછી ઉપર જણાવ્યા માપ મુજબ મિક્સર જારમાં મોરૈયો પીસી લો અને એક પ્લેટમાં લઇ લો. મિક્સરમાં પીસેલી બે વસ્તુને હવે એક બાઉલમાં લઇ લો અને મિક્સ કરી લો. ત્યારબાદ આમાં જરૂર મુજબ સિંધાલું મીઠું નાંખો. પછી દહીં નાંખો અને મિશ્રણને બરાબર હલાવી લો. જરૂર મુજબ આ મિશ્રણમાં પાણી નાંખીને એક ખીરું તૈયાર કરી લો. હવે આ ખીરાને 30 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. અડધો કલાક પછી આ ખીરાનું ઢાંકણ ખોલો અને બરાબર હલાવી દો. આ બધી પ્રોસેસ થઇ જાય પછી નોનસ્ટીક તવી લો અને એને ગરમ કરવા માટે મુકો. તવી બરાબર ગરમ થઇ જાય એટલે ખીરું અને તવી પર વાટકી કે કોઇ બીજા વાસણની મદદથી ગોળ ઢોંસાના આકારમાં ફેરવો. આ ઢોંસાને હળવા હાથે ફેરવવાનો છે. આ ઢોંસા તમે આ રીતે ઉતારશો તો એકદમ મસ્ત ઉતરશે. ઢોંસાની આસપાસ તેલ નાંખો અને થવા દો. એક સાઇડથી બ્રાઉન થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો. તો તૈયાર છે ફરાળી ઢોંસા. ઢોંસા ઉતારતી વખતે જો પ્રોપર નથી ઉતરતા તો ખીરું થોડુ પાતળુ કરો અને જો ખીરું પાતળુ પડે છે તો થોડો ફરાળી લોટ નાંખીને ઘટ્ટ કરી લો. આ ફરાળી ઢોંસા ચટણી સાથે ખાવાની બહુ જ મજા આવે છે.