સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું મોરબી : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેના અનામત બેઠકોમાં સતવારા સમાજને રાજકીય ક્ષેત્રે અન્યાય ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું છે. સતવારા નવગામ જ્ઞાતિ-મોરબીના ડો.લખમણભાઈ કંઝારીયાએ આવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો ઓબીસી અનામતને નવેસરથી નકકી કરવા માટે રાજય સરકારે જસ્ટિસ કે. એસ. ઝવેરી કિંમશનની રચના કરેલી છે. સતવારા સમાજ સમગ્ર ગુજરાતમાં વિશાળ સંખ્યામાં વસાહત કરે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે છે. ગુજરાતમાં સતવારા સમાજ દલવાડી, કડિયા, સથવારા વગેરે નામથી ઓળખાય છે. ગુજરાતમાં સતવારા સમાજ મોટાભાગનો મજુરી કામ, કડિયા કામ, શાકભાજી, ખેતીવાડીનું કામ કરે છે. સતવારા સમાજની વિશાળ વસ્તી હોવા છતાં આજે ગુજરાતમાં સતવારા સમાજનો એકપણ ધારાસભ્ય નથી. – સતવારા સમાજ આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે ઘણો ઘણો નબળો સમાજ છે. થોડાક સમય પહેલા જ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગો— ઓબીસી અનામતની નાબૂદ કરવી એવી રજૂઆત થયેલી, જેના અનુસંધાને રાજય સરકારે કે.એસ. ઝવેરી કમિશનની રચના કરી છે. સતવારા સમાજ પરિશ્રમને વરેલો હોય, તેથી આ કિંમશન દ્વારા સતવારા સમાજને રાજકીય ક્ષેત્રે અન્યાય ન થાય એવી કાર્યવાહી કરવા માંગ કરી છે.