ખાણ ખનીજ વિભાગના કર્મચારી અને અધિકારીઓના આશીર્વાદથી ખનીજ ચોરીનું મોટું કારસ્તાન : સરકારી તિજોરીને ખોખલી કરતા ભ્રષ્ટાચારી ઇતરડા મોરબી : રેત માફિયાઓ માટે સ્વર્ગ સમાન મોરબી જિલ્લામાં હળવદ, વાંકાનેર અને હળવદ પંથકમાં સરકારની મંજૂરી વગર અનેક રેતીના ચીલા ધમધમી રહ્યા છે અને રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં ખાણખનીજ વિભાગ અને પોલીસના આશીર્વાદથી દરરોજની હજારો આઇવા ડમ્પર તોતિંગ હપ્તા ચૂકવી બેરોકટોક પણ દોડાદોડી કરી રહ્યા છે ત્યારે વગર લીઝે રેતીનો કાળો કારોબાર કરવા ખાણખનીજ વિભાગના ભ્રષ્ટાચારી તત્વો દ્વારા વોશ પ્લાન્ટના નામે રેતીની ખનીજ ચોરી માટે રસ્તો કરી આપ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ખનીજ ચોરો માટે સ્વર્ગ ગણાતા મોરબી જિલ્લામાં માટી અને સૌથી વધુ સફેદ અને કાળુ સોનુ એટલે કે રેતીની બેફામ અને બેરોકટોક પણે ચોરી થઇ રહી છે. ખાસ કરીને વાંકાનેર અને હળવદ ઉપરાંત મોરબી તાલુકામાં રેતીનો અખૂટ ખજાનો રેતમાફિયાના નિશાન ઉપર હોય ખાણખનીજ વિભાગ, પોલીસ અને આરટીઓના ભ્રષ્ટ ઇતરડાઓને સાધી લઈ હપ્તાનું વિશાળ નેટવર્ક ગોઠવી વગર લીઝ દિવસ-રાત રેતીનું ખનન કરી રાજકોટ અને જામનગર જિલ્લામાં તગડા ભાવે રેતીનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રેતીચોરીનું કારસ્તાન સુપેરે ચલાવવા માટે અને સ્ટેટ મોનીટરીંગ સેલની નજરથી બચવા માટે રેત માફિયાઓ વોશપ્લાન્ટનું મજબૂત સુરક્ષાચક્ર હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને ક્યારેક ખનીજ ચોરીમાં પકડાય ત્યારે વોશ પ્લાન્ટના નામે આસાનીથી છટકી જતા હોવાનું પણ રેતીચોરી કરતા તત્વો જ ઉમેરી રહ્યા છે. જો કે મહત્વની બાબત તો એ છે કે, મોરબી જિલ્લામાં ખાણખનીજ વિભાગમાં ભૂસ્તર શાસ્ત્રી તરીકે સનિષ્ઠ અધિકારી મુકવામાં આવ્યા છે પરંતુ તેઓ પાસે ફ્લાઈંગ સ્ક્વોડની મોટી જવાબદારી હોય સ્વાભાવિક પણે જ મોરબી હેડક્વાર્ટરમાં તેમની ગેરહાજરી વચ્ચે સ્થાનિક લેવલે રેતમાફિયાઓ આ તકનો લાભ મેળવી લે છે અને સ્ટોક રજીસ્ટર વિભાગના જવાબદારો પણ આ મામલે રેતમાફિયાઓના હિતમાં કામગીરી કરતા હોવાની પણ છાપ ઉપસી રહી છે. [caption id='attachment_31360' align='aligncenter' width='300'] ફાઈલ તસ્વીર[/caption]