મોરબી : જો તમે ઉપવાસમાં ફરાળી વાનગી ખાવાના શોખીન છો, તો રાજગરાની પુરી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. રાજગરાની પુરી તમે આ રીતે ઘરે બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને ખાવાની પણ મજા આવે છે. આ પૂરી ચા સાથે પણ ખાઈ શકાય છે. ઘણી બહેનોની ફરિયાદ છે કે રાજગરાની પુરી ટેસ્ટમાં સારી બનતી નથી, જેના કારણે ખાવાનો મુડ બગડી જાય છે. આમ, જો તમે રાજગરાની પુરી એકદમ સોફ્ટ બનાવવા ઇચ્છો છો તો નોંધી લો બનાવવાની આ રીત... સામગ્રી:- 200 ગ્રામ રાજગરાનો લોટ તેલ સિંધાલું મીઠું હુંફાળુ પાણી કાળા મરીનો પાઉડર તળવા માટે તેલ તલ બનાવવાની રીત:- ફરાળી રાજગરાની પુરી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટુ બાઉલ અને એમાં રાજગરાનો લોટ લો. આ રાજગરાના લોટમાં સિંધાલું મીઠું, તલ, કાળા મરીનો પાઉડર નાંખીને મિક્સ કરી લો. હવે આ લોટમાં મોણ માટે તેલ નાંખો અને લોટ બરાબર મિક્સ કરી લો. પછી ધીમે-ધીમે લોટમાં હુંફાળુ પાણી નાંખતા જાઓ અને લોટ બાંધતા જાઓ. લોટ તમારે બહુ ઢીલો બાંધવાનો નથી. ત્યારબાદ આ લોટમાંથી નાના ગુલ્લા કરો. આ પ્રોસેસ થઇ જાય એટલે એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો. ત્યારબાદ પાટલી પર નાની કટ કરેલી થેલી મુકો અને એની પર એક ગુલ્લુ મુકીને ઉપરથી બીજી કટ કરેલી નાની થેલી મુકી દો. હવે હળવા હાથે પુરીને વણો. પછી આ પુરીને મિડિયમ તાપે તળી લો. હવે આ પુરીને એક પ્લેટમાં લઇ લો. તમને પુરીમાં તેલ વધારે લાગે છે તો તમે ટિશ્યુ પેપર પર મુકી રાખો અને પછી લઇ લો. આમ કરવાથી બધુ તેલ ચુસાઇ જશે અને ખાવાની પણ મજા આવશે. તો તૈયાર છે ફરાળી રાજગરાની પુરી. જો તમે આ પુરીને એકદમ સોફ્ટ બનાવવા ઇચ્છો છો તો એમાં એક બાફેલુ બટાકુ મેશ કરીને લોટમાં મિક્સ કરી લો. આમ કરવાથી પુરીમાં સોફ્ટનેસ વધારે આવે છે અને ટેસ્ટમાં પણ મીઠાશ લાગે છે.